Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્‍પણી કરનાર કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાને રાજપૂત સમાજની ચીમકીઃ પરિણામ ભોગવવા તૈયાર રહો

- ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ દ્વારા ક્ષત્રિય સમાજ સાથે બેઠક યોજી મામલો થાળે પાડવાનો પ્રયાસ

રાજકોટઃ  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકારો સાથેનો પ્રીતિ ભોજન કાર્યક્રમમાં પોતાના મનની વાત જણાવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા ચાલી રહી છે અને એક બે દિવસમાં સુખદ પરિણામ આવશે.


જોકે, બીજી તરફ રાજપૂત સમાજના અશ્વિનસિંહ સરવૈયા - પ્રમુખ રાજપૂત વિદ્યા સભા, વાસુદેવસિંહ ગોહિલ - પ્રમુખ ગોહિલવાડ સમાજ, ડો રુદ્ર સિંહ ઝાલા - ઝાલાવાડ સમાજ પ્રમુખ, પી ટી જાડેજા - પ્રમુખ, રાજકોટ, કરણસિંહ ચાવડા - ક્ષત્રિય મહાસભા પ્રમુખ, વિરમદે સિંહ ચુડાસમા -ચુડાસમા પ્રમુખ, સુરેન્દ્ર સિંહ જાડેજા - યુવા પ્રમુખ મહાકાલ સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.


વાસુદેવ સિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, પરસોતમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે તેના ઘેરા પડઘા પડયા છે. સુરેન્દ્રનગર રાજકોટમાં આવેદન પત્ર આપાયા છે. સમાજે રૂપાળાનું પૂતળા દહન કરવાનું આયોજન પણ કર્યુ છે. આમાં અમને કોઇ સમાધાન માન્ય નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, લોકસભાની સીટ પરથી રૂપાલાનું નામ કમી થાય. અમારે પક્ષ સામે નહીં પણ વ્યક્તિ સામે વિરોધ છે. જો રૂપાલાને ઉમેદવાર રાખશે તો તેમની વિરુદ્ધમાં જ મતદાન થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યુ જો રૂપાલાને ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ અમારા સમાજમાં છે. સમગ્ર ગુજરાતમાં 17 ટકા જેટલું ક્ષત્રિય સમાજનો હિસ્સો છે. જો રૂપાલાને નહીં બદલવામાં આવે તો ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે.


વીરભદ્ર સિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. રૂપાલા એક માત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેમની સાથે છીએ. રૂપાલાએ અમારી ઈજ્જત પર વાર કર્યો છે. રાજપૂત સમાજ તેમને માફ નહિ કરે. અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માગ મૂકી હતી. સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો.


નોંધનીય છે કે, 24મી માર્ચના રોજ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતુ કે, મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. જોકે દમન છતાં રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રીય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી હતી.


રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશ્યલ મીડિયા મીટ મળી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. આ સાથે જ વર્તમાન સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ પણ હાજરી આપી હતી. રાજકોટ, મોરબી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર જિલ્લાના કાર્યકરો સાથે પાટીલે સંવાદ કર્યો હતો. આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે, ગુડમોર્નિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફવો. પાટીલે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ પાસે સહકાર, સંગઠન અને સરકારના ઘણા કામો છે, સરકારની યોજનાઓની માહિતી અને હેતુ શુ છે એ લોકો સુધી પહોંચાડવા જોઈએ.

(11:12 pm IST)