Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

હોસ્પિટલની બેદરકારીઃ કેન્સરથી વેપારીનું થયું મૃત્યુઃ પરિવારને આપ્યો કોરોનાના દર્દીનો મૃતદેહ

ઈંદોર,તા.૨૮ : મધ્ય પ્રદેશના ઈંદોરમાં સતત હોસ્પિટલોની બેદરકારી સામે આવી રહી છે. ઈંદોરની એક મોટી પ્રાઈવેટ હોસ્પિટલે ફરીથી કેન્સરના દર્દીના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને કોરોનાના દર્દીનો મૃતદેહ આપ્યો છે. ગ્રેટર કૈલાશ હોસ્પિટલની આ બેદરકારીના કારણે મૃતકના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારબાદ હોબાળો થયો હતો. હોસ્પિટલે ખંડવાના એક વેપારીના મૃત્યુ બાદ પરિવારજનોને બીજો મૃતદેહ સોંપ્યો હતો.

મળતા અહેવાલ પ્રમાણે પરિવારજનો મૃતદેહને લઈને ૭૦ કિમી દૂર બડાવાહ પહોંચી ગયા હતા. ત્યારે બીજા પક્ષના લોકો મૃતદેહ લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. હોસ્પિટલે બડવાહ સુધી પહોંચેલા વેપારીના પરિવારજનોને ફોન કરીને પાછા બોલાવ્યા હતા અને મૃતદેહ બદલીને બીજો મૃતદેહ આપ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો છે.

થોડા દિવસ અગાઉ જાણીતા ડોકટર જીએસ મિત્ત્।લનું પણ બેદરકારીના કારણે થયેલા મોતના કેસથી પણ આ હોસ્પિટલ ચર્ચામાં રહી છે. બીજી તરફ રૂપિયા ન મળવાના કારણે ડોકટરોએ હોસ્પિટલ સામે મોરચો ખોલ્યો છે. તેવામાં હોસ્પિટલના માલિક ડોકટર અનિલ બંડીની મુશ્કેલીઓ વધી રહી છે. ખંડવાના જે વ્યકિતનું મૃત્યુ થયું છે તે ફકત કેન્સરના દર્દી હતા પરંતુ મહૂનો વ્યકિત કોરોના પોઝિટિવ હતો.

 

(11:41 am IST)