Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ધર્મનો મર્મ સમજાવવા માટે કરાયેલ અરજી સુપ્રીમે ફગાવી દીધી

અમે આ વિષયના નિષ્ણાંત નથીઃ સુપ્રીમ

નવી દિલ્હીઃ ધર્મના મર્મની વ્યાખ્યાની માંગ કરતી એક બુઝર્ગ તરફથી કરવામાં આવેલ અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. આ અરજી મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સુનાવણી માટે આવી હતી.

૮૭ વર્ષના અરજદાર રમેશચંદ્ર વિઠ્ઠલદાસ શેઠે પોતાની અરજીમાં કોર્ટને ધર્મ શબ્દની વ્યાખ્યા કરવા કહ્યું હતું. વીડીયો કોન્ફરન્સ દ્વારા પોતાનો પક્ષ રજુકરતા શેઠે કહ્યું કે બંધારણના ઘણા બધા અનુચ્છેદોમાં ધર્મ અંગેનો ઉલ્લેખ છે પણ ધર્મ શું છે તેનો ઉલ્લેખ કયાંય નથી. તેમનું કહેવું હતું કે સુપ્રીમ કોર્ટ એકવારએ વાત સ્પષ્ટ કરી દેતો દેશમાં ધર્મના નામે થતા સાંપ્રદાયિક રમખાણો સમાપ્ત થઈ જશે અને દેશમાં શાંતિ થઈ જશે.

બેંચે કહ્યું કે તે અરજદારની ઉમરનો લિહાજ કરે છે પણ આ વિષય એવો છે કે જેમાં કોર્ટ દખલ ન કરી શકે. બેંચે અરજદારને કહ્યું કે અમારી પાસે આ વિષય અંગે કોઈ નિષ્ણાંતતા નથી એટલે બહેતર એ છે કે તમે આ અંગે કેન્દ્ર સરકારમાં અરજી કરો. શેઠે કહ્યું કે હું ઘણીવાર કેન્દ્ર સરકારને અરજીઓ કરી ચૂકયો છું પણ મને કોઈ જવાબ નથી મળ્યો. ત્યાર પછી કોર્ટે તેમને પોતાની અરજી પાછી ખેંચવા કહ્યું પણ તે એના માટે તૈયાર ન થતા કોર્ટે તેમની અરજી રદ કરી હતી.

(3:10 pm IST)