Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

દિલ્લી મેં યે નહિ ચલેગા : તમે અહીં ગેરકાયદે કૃત્યો કરી શકતા નથી : યુપી પોલીસની દિલ્હી હાઈકોર્ટે ઝાટકણી કાઢી : પુખ્ત વયની યુવતીના પરિવારની ઈચ્છા વિરુદ્ધ તેને પરણનાર પુરુષને મદદગારી કરનાર બે શખ્સોની ધરપકડ કરી હતી

ન્યુદિલ્હી : પુખ્ત વયની યુવતીના પરિવારની ઈચ્છા વિરુદ્ધ તેને પરણનાર પુરુષને મદદગારી કરનાર બે શખ્સોની ધરપકડ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટે યુપી પોલીસની ઝાટકણી કાઢી હતી. તથા  જણાવ્યું હતું કે  દિલ્લી મેં યે નહિ ચલેગા . તમે અહીં ગેરકાયદે કૃત્યો કરી શકતા નથી .

કોર્ટ એક એવી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં એક વ્યક્તિના બે સંબંધીઓની ધરપકડ કરવામાં આવી હતી જેણે યુવતીના પરિવારની મરજી વિરુદ્ધ યુવતી સાથે લગ્ન કર્યા હતા.

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે શામલી પોલીસ, ઉત્તર પ્રદેશ (યુપી) ને યુવતીના પરિવારની ઈચ્છા વિરુદ્ધ યુવતી સાથે લગ્ન કરનાર પુરુષ સાથે સંબંધિત બે પુરુષોની ધરપકડ કરવા માટે ફટકાર લગાવી હતી.

મહિલાની ઉંમરની યોગ્ય ચકાસણી કર્યા વિના આ પુરુષોની કથિત રીતે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે હાઈકોર્ટે યુપી પોલીસને સાવચેત કરવા જણાવ્યું હતું.

સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) પર આકરા પ્રહાર કરતાં જસ્ટિસ મુક્તા ગુપ્તાએ કહ્યું,  યુવતીની ઉંમર પૂછ્યા વગર તમે આગળ વધો છો અને લોકોની ધરપકડ કરો છો. જો યુવતી પુખ્ત છે તો તે પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા હક્કદાર છે.

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહિલાના પરિવારની ફરિયાદ બાદ ઓગસ્ટ, 2021માં શામલી પોલીસ, યુપી દ્વારા બે પુરુષોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેણે લગ્નમાં મદદગારી કરી હતી. શામલીમાં દાખલ કરાયેલી એફઆઈઆર મુજબ મહિલાની ઉંમર 21 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.

કોર્ટે શામલી પોલીસના એસએચઓને પૂછતા નારાજગી વ્યક્ત કરી કે શા માટે મહિલાની ઉંમરની કોઈ ચકાસણી કરવામાં આવી નહીં અને માત્ર મહિલાના પરિવારના સભ્યોના નિવેદનના આધારે પુરુષોને લઈ જવામાં આવ્યા.

ત્યાર બાદ કોર્ટે SHO શામલી પોલીસને મહિલાની ઉંમર દર્શાવતું નિવેદન રેકોર્ડ કરવા અને તેને યુપીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી પુરુષોને જામીન મળી શકે. મહિલાનું નિવેદન દિલ્હી હાઈકોર્ટ પરિસરમાં રેકોર્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)