Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

કેન્દ્રએ કોરોના માર્ગદર્શિકાને 30 નવેમ્બર સુધી લંબાવી રાજ્યોને કડક સૂચના- નિયમોનું પાલન કરાવવા તાકીદ

: કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હોય તેમાં ખાસ સાવધાની રાખવી જોઈએ ; દરેક જિલ્લામાં ચેપ દર, હોસ્પિટલની સ્થિતિ અને ICU માં બેડની ઉપલબ્ધતા પર નજર રાખવા માટે સૂચના

નવી દિલ્હી :દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે કોવિડ 19 પ્રોટોકોલને 30 નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. સરકારે અગાઉ 31 ઓક્ટોબર સુધીમાં કોરોના નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, હવે તેને વધુ એક મહિના માટે એટલે કે 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.

કોરોના ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે જે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હોય તેમાં ખાસ સાવધાની રાખવી જોઈએ, જેથી કરીને કોરોનાના કેસ વધવાની શક્યતાને ટાળી શકાય. આ સિવાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં ચેપ દર, હોસ્પિટલની સ્થિતિ અને ICU માં બેડની ઉપલબ્ધતા પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

આ સાથે, સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે સ્થળોએ હજી પણ કોરોનાના વધુ કેસ છે ત્યાં કેસોમાં વધારો અટકાવવા માટે સક્રિય પગલાં લેવામાં આવે. આ સાથે, સરકારે ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ- વેક્સિનેટ’ અને કોવિડ યોગ્ય વર્તનની પાંચ-પોઇન્ટ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.

 

(7:48 pm IST)