Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ધરપકડના ત્રણ દિ' પહેલાં નોટિસનો આદેશ

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને રાહત : એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઇ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી તપાસને લઇને કરેલી અરજી પર બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

મુંબઇ, તા.૨૮ : ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું છે કે જો વાનખેડાની ધરપકડ થાય છે તો તેમને ત્રણ દિવસ પહેલા નોટિસ આપવામાં આવે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો તેમની સામે તપાસ ચાલે છે તો તે સીબીઆઇને સોંપવામાં આવે.

વાનખેડેએ આ અરજી મુંબઇ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી તપાસને લઇને કરી હતી. આ ઉપરાંત તેમણે વચગાળાના સમય સુધી સુરક્ષાની પણ માગ કરી છે. સમીર વાનખેડે પર ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર શેલે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. પ્રભાકરે આરોપ લગાવ્યો હતો કે આર્યન ખાનના દીકરાને છોડાવવા માટે શાહરૂખ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહીં હતી, જેમાં એનસીબીના કેટલાક અધિકારીઓ અને કિરણ ગોસાવી પણ સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે પ્રભાકર સૈલે પાછલા દિવસોમાં દાવો કર્યો હતો કે ક્રૂઝ જહાજમાં દરોડાના મામલામાં આરોપી આર્યન ખાનને છોડવા માટે એનસીબીની મુંબઈ એકમના ડાયરેક્ટર સમીર વાનખેડે સહિત એજન્સીના કેટલાક અધિકારીઓએ ૨૫ કરોડ રૂપિયા માંગ્યા હતા. આ આરોપ બાદ વિજિલેન્સ ટીમની રચના કરવામાં આવી છે અને સૈલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

દરમિયાન બુધવારના રોજ  એનસીબીના જ્ઞાનેશ્વર સિંહના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એનસીબીના ઉત્તરી ક્ષેત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહ મુંબઈ પહોંચ્યા છે. વિજિલેન્સ ટીમની સામે આજે સમીર વાનખેડે રજૂ થયા હતા. જોકે, હાલ સમીર વાનખેડે જ ક્રૂઝ ડ્રગ્સ કેસના તપાસ અધિકારી રહેશે.

(7:51 pm IST)