Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

બગદાદમાં આતંકીઓના ગામ પર હુમલામાં ૧૧નાં મોત

શિયા મુસ્લિમોને ટાર્ગેટ કરીને હુમલો કરાયો : આતંકીઓએ ગામના બે લોકોનું અપહરણ કર્યું અને બાદમાં તેને છોડવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી

બગદાદ , તા.૨૮ : ઇરાકના બગદાદમાં આઇએસના આતંકીઓ દ્વારા એક ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૧ નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે અન્ય છ લોકો આ હુમલામાં ઘવાયા હતા. શિયા મુસ્લિમોને ટાર્ગેટ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાક પોલીસ અને સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે આ હુમલો શિયાઓના એક ગામ પર કરવામાં આવ્યો હતો.

આતંકીઓએ સૌથી પહેલા ગામના બે લોકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને છોડવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. જોકે તેમની આ માગણીઓ સ્વિકારવામાં નહોતી આવી તેથી બાદમાં તેઓએ ગામના અન્ય નાગરિકો પર પણ હુમલો કરી દીધો હતો.  આ હુમલા માટે મશીન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જે પણ લોકો ઘવાયા કે માર્યા ગયા તે દરેક નાગરિકો છે. ૨૦૧૭માં આઇએસનો ખાતમો બોલાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. જે બાદ નાગરિકો પર આઇએસ દ્વારા હુમલા ઓછા થયા હતા.

જોકે હવે તેનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ પહેલા જુલાઇ મહિનામાં બગદાદ જિલ્લામાં હુમલો થયો હતો જેમાં ૩૦ નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં થયેલા હુમલામાં ૩૨ નાગરિકોના મોત નિપજ્યા હતા.

(7:56 pm IST)