Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

કોરિયોગ્રાફર શિવાશંકર માસ્ટરનું 72 વર્ષની વયે નિધન :સોનુ સૂદ કરાવતા હતા સારવાર

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હૈદરાબાદની આઈજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

મુંબઈ :  સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત વેટરન કોરિયોગ્રાફર શિવ શંકરનું નિધન થયું છે. શિવશંકરનું 72 વર્ષની વયે અવસાન થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને હૈદરાબાદની આઈજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

શિવા શંકર અને તેમનો મોટો પુત્ર બંને થોડા દિવસો પહેલા જ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. શિવા શંકરની તબિયત બગડતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીએ શિવા શંકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

એસએસ રાજામૌલીએ ટ્વીટ કરીને શિવા શંકરના નિધનની જાણકારી આપી અને શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું- કોરિયોગ્રાફર શિવશંકર માસ્ટર ગુરુનું નિધન થઈ ગયું તે જાણીને ખૂબ જ દુઃખ થયું. મગધીરામાં તેમની સાથે કામ કરવું એ યાદગાર અનુભવ હતો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.

શિવા શંકરે ચાર દાયકાઓ સુધી ટોલીવુડ ઉદ્યોગના આઇકોનિક ગીતોની કોરિયોગ્રાફી કરી છે. તેણે વર્ષ 1970માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેણે ચિરંજીવી, વિજયકાંત અને સરથકુમાર સાથે કામ કર્યું હતું.

શિવા શંકર તેમના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા હતા. શિવા શંકરની સાથે તેમના મોટા પુત્રને પણ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં સોનુ સૂદ તેની મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પરિવારની મદદની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું – હું તેના પરિવારના સંપર્કમાં છું અને અમે તેમનો જીવ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.

 

તમને જણાવી દઈએ કે વર્ષ 2011માં શિવા શંકરને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મગધીરાના ધીરા ધીરા ગીત માટે તેને તે મળ્યું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં 800 થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યા છે. આટલું જ નહીં તેમણે તમિલ અને તેલુગુ સિરિયલોમાં કામ કર્યું છે.

(11:49 pm IST)