Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

નુસરત જહાં ગુસ્સામાં બબડતી અને રોડ શો દરમિયાન મોટી ગાડીમાંથી ઉતરીને જતી જોવા મળીઃ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ તેજ છે. પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. બીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત ઝોંકી રહ્યા છે. તેમણે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે ટીએમસી સાંસદ નુસરત જહાંનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તે ગુસ્સામાં બબડતી અને રોડ શો દરમિયાન મોટી ગાડીમાંથી ઉતરીને જતી જોવા મળી રહી છે. ભાજપે આ વીડિયો સાથે #MamataLosingNandigram પણ લખ્યું છે. 

શું છે વીડિયોમાં?
આ વીડિયો એક ચૂંટણી રોડ શો દરમિયાનનો છે. જેમાં તે ઘણી વાર સુધી રોડ શોમાં ભાગ લીધા બાદ મોટી ગાડીમાંથી નીચે આવતી જોવા મળે છે. આ દરમિયાન તે કહે છે કે હું એક કલાકથી વધુ સમયથી કેમ્પેનિંગ કરી રહી છું. હું આ તો મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે પણ ન કરું. આ દરમિયાન તે ગુસ્સામાં જોવા મળે છે. વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે મેડમ મેન રોડ પાસે જ છે, ફક્ત અડધો કિલોમીટર દૂર. પરંતુ નુસરત જહાં તેને અવગણીને જતી રહે છે. આ સમગ્ર વીડિયોને પશ્ચિમ બંગાળ ભાજપે કટાક્ષના અંદાજમાં ટ્વીટ કર્યો છે અને નુસરત જહાંની વાતોને ફરીથી દોહરાવી. આ સાથે જ #MamataLosingNandigram પણ લખ્યું છે. આ આખો વીડિયો 25 સેકન્ડનો છે. 

બીજા તબક્કામાં દાવ પર છે અનેક મહત્વની બેઠકો
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનમાં નંદીગ્રામ જેવી બેઠક પર મતદાન થવાનું છે. જ્યાં મમતા બેનર્જી પોતે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો સામનો એક સમયે તેમના સહયોગી રહી ચૂકેલા અને હાલ ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારી સામે છે. ભાજપનો દાવો છે કે મમતા બેનર્જી પોતાની હાર ટાળવા માટે તમામ પેંતરા અજમાવી રહ્યા છે. ભાજપે થોડા સમય પહેલા એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં તેઓ પહેલા તૃણમૂલમાં રહી ચૂક્લા પરંતુ હવે ભાજપમાં સામેલ થયેલા એક નેતાને પોતાની સાથે આવવાનું કહે છે. જો કે ટીએમસીએ તેના જવાબમાં મુકુલ રોયનો એક ઓડિયો બહાર પાડ્યો હતો. 

 

(10:48 am IST)