Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભયંકર ગરમી પડશેઃ પહાડી વિસ્તારોમાં વરસાદની શકયતા

નવીદિલ્હીઃ દેશભરમાં આજે એટલે કે ૨૯ માર્ચે હોલીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે દિલ્હી સહિત ઉત્તરભારતના ઘણા ભાગોમાં ભયંકર ગરમી પડશે. જયારે પહાડી વિસ્તારોમાં હળવા વરસાદની શકયતા છે. તો દિલ્હીમાં ગરમીનો પારો ૩૮ ડીગ્રી સુધી પહોંચી શકે છે.

આ અગાઉ ૧૯ માર્ચ ૨૦૧૧ના હોળીના દિવસે મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયેલુ. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના મુજબ આજે પહાડી વિસ્તાર અને પૂર્વોત્તર ભારતમાં વરસાદના શકયતા છે. તો રાજધાની દિલ્હીમાં ૭ દિવસ સુધી હવામાન સાફ રહેશે.

જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. વિજળીના કડાક- ભડાકા પણ થશે.

બીજી તરફ પૂર્વોત્તર ભારતમાં વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીના નિચાણવાળા ભાગોમાં પવનના પગલે વરસાદની શકયતા નથી. આજે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરા સહિત કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે.

(3:34 pm IST)