Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કેરળની પહેલી ટ્રાન્સજેન્ડર ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

૮૦ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠક ઉપર ઉભા રહેવાની હિંમત કરનાર ટ્રાન્સજેન્ડર રેડીયો જોકી પણ છેઃ મતદારોને ભરોસો રાખવા કહયું

માલ્લાપુરમ : કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડર ઉમેદવાર ઉભા છે તેમને મુસ્લીમ લીગના ગઢ ગણાતા માલાપ્પુરમની વેગરા બેઠક ઉપર ઉભી રાખી છે. મતદારોને ભરોસો રાખવા તેમણે કહયું છે

કેરળ વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર કોઇ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર  ચૂંટણી મેદાનમાં ઉભું છે. આમ રાજ્યની ચૂંટણીમાં નવો ઇતિહાસ સર્જાવા જઇ રહ્યું છે. અનન્યા કુમારી એલેક્સને ડેમોક્રેટિક સોશિયલ જસ્ટિસ પાર્ટીએ ટિકિટ આપી છે. તે પણ મુસ્લિમ લીગના ગઢ માલાપ્પુરમના વેંગરાથી ઊભી રાખી છે. ત્યાં 80 ટકા મુસ્લિમ વસતી છે. અહીં મુસ્લિમ લીગના કદાવર નેતા પી. કે. કુન્હાલી કુટ્ટી ઉમેદવાર છે.

બે વર્ષ અગાઉ અનન્યાએ અન્ય એક રેકોર્ડ સર્જ્યો હતો. ત્યારે તે રાજ્યની પહેલી રેડિયો જૉકી બની હતી. હવે તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. માત્ર 28 વર્ષ અનન્યા જણાવે છે કે તેણે ગ્રાઉન્ડ લેવલે ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે. તે ટ્રાન્સજેન્ડર  તરીકે લોકો પાસેથી મત માગી રહી નથી.

અનન્યા મતદારો પાસે જઇને કહે છે કે, “તમે મારા પર ભરોસો રાખો, હું સારું કામ કરી બતાવીશ. હું જીતીશ તો મારી બહુ મોટી જવાબદારી હશે કે બધાને જાતિ, જ્ઞાતિ-ધર્મ કે વર્ણના આધારે નહીં પણ એકસરખા ગણું.

રાજકારણમાં આવવાનું ક્યારે વિચાર્યું? તેવા સવાલના જવાબમાં તે કહે છે કે, ‘થોડા દિવસો અગાઉ મેં આ અંગે વિચાર્યું. મારી પાસે લીડરશિપ માઇન્ડ પણ છે. હું બાળપણમાં ભેદભાવનો શિકાર બની. હું છોકરી જેવી દેખાતી હતી પણ માતા-પિતા કહેતા કે તું છોકરો છે તો છોકરીની જેમ કેમ રહે છે? મેં બધાને કહ્યું કે હું છોકરો નહીં પણ છોકરી છું.

મેં ધોરણ-12 સુધીના અભ્યાસ બાદ ભણવાનું છોડી દીધું. હું ઘણું સહન કરીને અહીં સુધી પહોંચી છું. કેરળના લોકો ટ્રાન્સજેન્ડર ની ક્ષમતાથી પરિચિત છે. તેઓ જાણે છે કે હું સામાન્ય માણસ કરી શકે તે દરેક કામ કરી શકું છું.

આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સાંસદ પીકે કુન્હાલીકુટ્ટી યુડીએફના ટ્રબલશૂટર છે. 2011 અને 2016માં ધારાસભ્ય રહી ચૂક્યા છે, બે વખત સાંસદ રહ્યા છે. વેંગરામાં 1.82 લાખ મતદારો છે, જેમાંથી અંદાજે 70% મુસ્લિમ છે.

અનન્યા જણાવે છે કે તે જીતી તો મહિલા સુરક્ષા, શિક્ષણ, લઘુમતીઓ ખાસ કરીને ટ્રાન્સજેન્ડર્સ માટે દરેક ક્ષેત્રમાં અનામત માટે, ટ્રાન્સજેન્ડર્સની સુરક્ષા માટે કામ કરશે. વિજયન સરકારની કામગીરી અંગે અનન્યા કહે છે કે કેટલાંક કામ સારાં છે તો કેટલાંક ખોટાં પણ છે. આ વખતે કોની સરકાર બનશે તે અંગે અનન્યા કહે છે કે મતદારો યોગ્ય વ્યક્તિને ચૂંટશે. કેરળમાં લવ જેહાદનો મુદ્દો છે, જે અંગે તેનું કહેવું છે કે આ અંગે બોલવા હું યોગ્ય વ્યક્તિ નથી.

(6:34 pm IST)