Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ફયૂઅલનો 68 ટકા ટેકસ કેન્દ્ર પાસે છતાં દોષારોપણ રાજ્યો પર શા માટે ? : રાહુલ ગાંધીનો વેધક સવાલ

રાહુલ ગાંધીએ ફયૂઅલના ભાવ વધારા અને ફયૂઅલ ટેકસના ભારણ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી : 8 વર્ષમાં સરકારે 27 લાખ વસૂલી લીધા હોવાનો પણ દાવો

નવી દિલ્હી :ઈંધણના વધતા જતા ભાવ અંગે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની મીટિંગમાં રાજ્યોને ફયૂઅલ પરનો ટેકસ ઘટાડીને લોકોને રાહત આપવા જણાવ્યું છે. જોકે વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઉધડી લીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફયૂઅલના ભાવ વધારા અને ફયૂઅલ ટેકસના ભારણ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી.

  રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને સરકાર પર આરોપ મુકતા લખ્યું છે કે ફયૂઅલનો ભાવ વધે તેના માટે રાજ્યોને દોષ આપવો, કોલસાની અછત હોય કે ઓકિસજનની રાજ્યોને દોષ આપવામાં આવે છે પરંતુ તમામ પ્રકારના ફયૂઅલ પર 68 ટકા ટેકસ કેન્દ્ર સરકાર લે છે. જયારે 32 ટકા જ રાજ્યોના ભાગમાં આવે છે. આવા સમયે સરકાર રાજ્યો પાસેથી આશા રાખે છે.

એટલું જ નહી જીએસટીના પોતાના હિસ્સાથી રાજ્યો વંચિત હોવાનો દાવો કરીને આને અન્યાયપૂર્ણ ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ પીએમના રાજયો ટેકસ ઓછો કરે એ નિવેદન તથ્યો પર આધારિત નહી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહી સરકારને કેન્દ્રીય ઉત્પાદ શૂલ્કનો હિસાબ આપવાની માંગણી કરી હતી જેમાં છેલ્લા 8 વર્ષમાં સરકારે 27 લાખ રુપિયા વસૂલી લીધા હોવાનો પણ દાવો કર્યો હતો. 

(9:36 pm IST)