Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

સાંસદ નવનીત રાણાની આઠ વર્ષની પુત્રીએ આરોહીએ કર્યા હનુમાન ચાલીશાના પાઠ : માતા -પિતાની મુક્તિ માટે કરી પ્રાર્થના

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભા સાંસદ નવનીત રાણાની ધરપકડ અને પોલીસ દ્વારા “અમાનવીય વર્તન” અંગે રાણાના આરોપો પર મહારાષ્ટ્ર સરકાર પાસેથી અહેવાલ માંગ્યો

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાના વિવાદ વચ્ચે હવે નવનીત રાણાની પુત્રીએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની મુખ્યમંત્રીના ઘરની બહાર હનુમાન ચાલીસાના આહ્વાન કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. વિવાદ વચ્ચે હવે નવનીત રાણાની 8 વર્ષની પુત્રી આરોહી રાણાએ અમરાવતીની જેલમાંથી તેના માતા-પિતાની વહેલી મુક્તિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. આરોહીએ કહ્યું કે મારા માતા અને પિતાને જલ્દી મુક્ત કરવામાં આવે, જેથી હું પ્રાર્થના  કરી રહી છું.

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભા સાંસદ નવનીત રાણાની ધરપકડ અને પોલીસ દ્વારા “અમાનવીય વર્તન” અંગે રાણાના આરોપો પર મહારાષ્ટ્ર સરકાર પાસેથી તથ્યપૂર્ણ અહેવાલ માંગ્યો છે. અમરાવતીના સાંસદ રાણા અને તેમના પતિ અને ધારાસભ્ય રવિ રાણાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી હતી.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રાલયે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ધરપકડ અને ત્યાર પછીના “અમાનવીય વર્તન” અંગે રાણાના આરોપો વિશે મહારાષ્ટ્ર સરકાર પાસેથી હકીકતલક્ષી અહેવાલ માંગ્યો છે. લોકસભાની વિશેષાધિકાર અને નૈતિક સમિતિએ ગૃહ મંત્રાલયને મહારાષ્ટ્ર સરકાર પાસેથી રિપોર્ટ માંગવા કહ્યું હતું, ત્યારબાદ મંત્રાલયે આ પગલું ભર્યું છે.

રાણા દંપતી સામે રાજદ્રોહનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. લોકસભા સાંસદે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નિર્દેશ પર તેમની અને તેમના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાણા દંપતીએ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પીછેહઠ કરી હતી અને કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા પર કોઈ તમાશો કરવા માંગતા નથી.

(12:41 am IST)