Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

નેશનલ નાર્કોટિક્સ બ્યુરોએ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં ડ્રગ્સના દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો: ૩૦૦ કરોડની કિંમતનું ૫૦ કિલો ડ્રગ્સ જપ્ત

ઈ-કોમર્સ કંપનીની ડિલિવરીનું ગોડાઉન ચલાવવાના નામે આ ડ્રગ્સનું રેકેટ ધમધમતું હતું

નવી દિલ્હીઃ નેશનલ નાર્કોટિક્સ બ્યુરોએ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં ડ્રગ્સના દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ૩૦૦ કરોડની કિંમતનું ૫૦ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને એકની ધરપકડ કરી હતી. તે ઉપરાંત ૩૦ લાખ રૃપિયાની રોકડ પણ રેડ દરમિયાન મળી આવી હતી. આ ડ્રગ્સનું રેકેટ અફઘાનિસ્તાન ચાલતું હતું.

દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં આવેલા જામિયાનગરમાંથી નાર્કોટિક્સ બ્યુરોના અધિકારીઓએ રેડ પાડીને ૫૦ કિલો ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત ૩૦૦ કરોડ રૃપિયા જેટલી થાય છે. તે સિવાય ૪૭ કિલો શંકાસ્પદ પાવડર મળી આવ્યો છે. તેનું લેબોરેટરીમાં પરીક્ષણ થશે. આ રેકેટના તાર અફઘાનિસ્તાન સુધી પહોંચે છે. તાલિબાનના દોરીસંચારથી આ રેકેટ ચાલતું હતું અને દેશમાં પહોંચતું હતું. દિલ્હીના આ વિસ્તારમાંથી દેશભરમાં ડ્રગ્સની સપ્લાય થતી હતી.

પોલીસ અને એનસીબીની નજરથી ડ્રગ્સને બચાવવા માટે ડ્રગ્સદલાલો નવી તરકીબ શોધી કાઢી હતી. ડ્રગ્સના બધા પેકેટ્સ ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, સહિતની ઈ-કોમર્સની કંપનીઓના પેકેટ્સ જેવા બનાવાયા હતા. આ ઈ-કોમર્સ કંપનીઓના પેકેટ્સમાં ડ્રગ્સ છુપાવાયું હતું. ઈ-કોમર્સ કંપનીની ડિલિવરીનું ગોડાઉન ચલાવવાના નામે આ ડ્રગ્સનું રેકેટ ધમધમતું હતું. રેડ દરમિયાન રોકડ રકમ ગણવાનું એક મશીન ઉપરાંત ૩૦ લાખ રૃપિયાની રોકડ રકમ મળી આવી હતી.

એનસીબીના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનથી ડ્રગ્સની ખેપ ભારતના પાટનગર દિલ્હીમાં આવી હતી. ટ્રાવેલ બેગ્સમાં ડ્રગ્સના પેકેટ રાખવામાં આવ્યા હતા. આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પહોંચાડવામાં આવતો હતો. છેલ્લાં દિવસોમાં દિલ્હીમાંથી મળેલો આ ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો છે. રહેઠાંણ વિસ્તારમાંથી આટલો મોટો જથ્થો પહેલી વખત મળી આવ્યો હતો.

અધિકારીઓએ શંકા વ્યક્ત કરી હતી કે આ રેકેટ જુદી પદ્ધતિથી ચલાવાતું હતું. એવા લોકો સંડોવાયેલા છે જે રો મટિરિયલને ભેગું કરીને અહીં હેરોઈન બનાવતા હશે. એ દિશામાં તપાસ શરૃ થઈ છે.

(5:40 pm IST)