Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ચટગાંવ બંદરના ઉપયોગની બાંગ્લાદેશ દ્વારા મંજૂરી

ચટગાંવ બંદરનાચીન સામે ભારતનો મોટો ડિપ્લોમેટિક વિજય : બાંગ્લાદેશના વડાંપ્રધાને ભારતના વિદેશ મંત્રી જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ પ્રકારની રજૂઆત કરી ઉપયોગની બાંગ્લાદેશ દ્વારા મંજૂરી

ઢાકા, તા.૨૯ ઃ ભારતે ચીનની ચાલ નિષ્ફળ બનાવીને બાંગ્લાદેશમાં ભારે મોટો ડિપ્લોમેટિક વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે ભારતને પૂર્વોત્તરના રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવા માટે ચટગાંવ બંદરનો ઉપયોગ કરવાની રજૂઆત કરી છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ પ્રકારની રજૂઆત કરી હતી. ચટગાંવ બંદર-પોર્ટ એ બાંગ્લાદેશનું મુખ્ય બંદર છે. આ બંદર દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે અને તે ઉપરાંત આસામ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના રાજ્યો સાથેની કનેક્ટિવિટી પણ સુધરી જશે.

સત્તાવાર યાત્રા અંતર્ગત બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચેલા જયશંકરે શેખ હસીનાને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી તરફથી નવી દિલ્હી આવવાનું નિમંત્રણ આપ્યું હતું. જયશંકરે ટ્વિટમાં લખ્યું હતું કે, 'વડાપ્રધાન શેખ હસીનાનો તેમના હુંફાળા સ્વાગત બદલ ધન્યવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત શુભકામનાઓ પાઠવી. બંને નેતાઓના માર્ગદર્શનથી અમારા દ્વિપક્ષીય સંબંધો મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.'

બાંગ્લાદેશના વડાપ્રધાનના પ્રેસ સચિવ એહસાનુલ કરીમે જણાવ્યું કે, બેઠક દરમિયાન વડાપ્રધાન હસીનાએ કહ્યું હતું કે, બંને દેશોએ પોતાના સંપર્કમાં હજુ વધારો કરવો પડશે. શેખ હસીનાએ એસ જયશંકરને કહ્યું હતું કે, પરસ્પર લાભ માટે સંપર્ક વધારવાની જરૃર છે. બાંગ્લાદેશના દક્ષિણપૂર્વીય ચટગાંવ બંદરનો ઉપયોગ કરવાથી ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને વિશેષરૃપે ફાયદો થશે. સંપર્ક વધારવાથી ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ અને ત્રિપુરાને ચટગાંવમાં બંદર સુધી પહોંચ મળી શકે છે.

 

(8:21 pm IST)