Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

દેશના ઈતિહાસમાં ૧૨ વર્ષનો સૌથી હોટ એપ્રિલ

દેશમાં માર્ચ મહિનાથી જ ધોમધખતો ઊનાળો શરૂ : આગામી સમયમાં પારો ૪૮ ડિગ્રીને આંબે તેવી શક્યતા

નવી દિલ્હી, તા.૨૯ ઃ દેશમાં માર્ચ મહિનાની શરૃઆતથી જ ઉનાળો શરૃ થઈ ગયેલો અને હવામાન વિભાગે આ વખતે એપ્રિલ મહિનો ભારતના ઈતિહાસમાં ૧૨ વર્ષનો સૌથી 'હોટ' એપ્રિલ હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત મે મહિનો આનાથી પણ વધુ આકરો બનશે તેવી આગાહી કરવામાં આવેલી છે અને કેટલાક ક્ષેત્રનું તાપમાન ૪૮ ડિગ્રીને આંબી જાય તેવી શક્યતા છે.

જોકે ગુજરાતમાં ૨ મે બાદ ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ તાપમાન સામાન્ય કરતાં ઉંચુ જ રહેશે. દેશના આશરે ૭૦ ટકા ક્ષેત્રની ૮૦ ટકા વસ્તી ભીષણ ગરમીનો સામનો કરી રહી છે.

આ સાથે જ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઝારંખડ એમ ૧૦ રાજ્યો માટે એલર્ટ આપવામાં આવેલું છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અહેવાલ પ્રમાણે ભારત ગરમીના ભીષણ સમયનો સામનો કરી રહ્યું છે. આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે, યુપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ઓડિશાના કેટલાક હિસ્સાઓનું તાપમાન ૪૫ ડિગ્રીથી વધી ગયું છે. દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં આગામી ૫ દિવસ સુધી લૂનો પ્રકોપ જોવા મળશે.

ભીષણ ગરમી વચ્ચે દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી નોંધાયું છે જે એપ્રિલનું ૧૨ વર્ષનું સૌથી મહત્તમ તાપમાન છે. ગુરૃગ્રામનું તાપમાન પણ ૪૫ ડિગ્રીને પાર કરી ગયું છે. રાજધાનીમાં ૧૮ એપ્રિલ ૨૦૧૦ના રોજ મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન ૨૯ એપ્રિલ ૧૯૪૧ના રોજ ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

 

(8:29 pm IST)