Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ભારતમાં કોરોનાથી 42 લાખ લોકોના મોત થયાના અમેરિકી અખબારના હેવાલને ભારતે ફગાવ્યો :કહ્યું રિપોર્ટ ખોટા અનુમાનના આધારે બનાવાયો

-નીતિ આયોગે કહ્યું અમારા અનુમાન પ્રમાણે ઈન્ફેક્શન ફેટલિટી રેટ 0.05 ટકા છે, જ્યારે કેસનો ફેટલિટી રેટ 1.15 ટકા છે.

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના કેસને લઈને હાલમાં જ અમેરીકાના એક પ્રખ્યાત મીડિયા હાઉસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ભારતની સ્થિતીને વધુ ગંભીર બતાવી હતી. સૌથી ખરાબ પરિસ્થિતીમાં અહીં 42 લાખ મોત થયા હોવાનું અનુમાન તેમણે જણાવ્યુ હતુ. જોકે ભારત સરકારે આ અનુમાનને ખોટું કહી દીધુ છે. ગુરુવારે નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પૉલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ કે આ રિપોર્ટ ખોટા અનુમાનને આધારે બનાવવામાં આવ્યો છે.

આ અમેરિકી અખબારે પોતાના રિપોર્ટમાં ત્રણ સંભવિત અનુમાન જણાવ્યા હતા. જેમાં પહેલી સંભાવના મુજબ લોકડાઉન અને પ્રતિબંધો બાદ પણ સંક્રમિત લોકોની સંખ્યા 40.42 કરોડ હશે અને મૃત્યુઆંક આશરે 6,00,000 હશે.જો એકથી વધુ સંભાવનાઓની વાત કરીએ તો સંક્રમિતોની સંખ્યા 53.9 કરોડ હોય શકે છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આશરે 16 લાખ જેટલી થઈ શકે છે, જ્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં સંક્રમિતોની સંખ્યા 70.07 કરોડ હશે, જ્યારે મૃતકોનો આંકડો 42 લાખ જેટલો હશે.

આ ત્રણેય સ્થિતીમાં સરકાર તરફથી આપવામાં આવેલા આંકડા કરતા આ આંકડા ખૂબ વધુ છે. આ રિપોર્ટમાં ભારત સરકાર દ્વારા 24 મે સુધીના આપેલા આંકડાને આધાર બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ કેસની સંખ્યા 2.69 કરોડ જણાવવામાં આવી છે અને મોતની સંખ્યા 3.7 લાખ જેટલી જણાવવામાં આવી છે.

ડૉ. વીકે પૉલે આ રિપોર્ટ વિશે જણાવ્યું કે આ રિપોર્ટ આધારહિન છે. તેમણે કહ્યું, ‘અમારા અનુમાન પ્રમાણે ઈન્ફેક્શન ફેટલિટી રેટ 0.05 ટકા છે, જ્યારે કેસનો ફેટલિટી રેટ 1.15 ટકા છે. આ દરને અમેરિકી અખબાર 0.05 ટકા તેમજ 0.6 ટકા જણાવી રહ્યા છે, જે 6 ટકા અને 12 ટકા વધારે છે. કયા આધાર પર? રિપોર્ટ સંપૂર્ણપણે આધારહીન છે’

 સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતુ કે આંકડાને છુપાવવાનો કોઈ સવાલ જ નથી. શરૂઆતથી જ અમારા પ્રયાસ છે કે કોરોનાને લઈને પારદર્શિતા રહે, જેથી અમને સ્થિતીનો અંદાજ આવે અને અમે યોગ્ય પગલા ભરી શકીએ.

 

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ રિપોર્ટને લઈને મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો અને કહ્યું હતુ કે આંકડા ખોટું નથી બોલતા. પ્રિયંકા ગાંધીએ પણ આ રિપોર્ટને ટ્વીટ કરીને કહ્યું હતુ કે ક્યારેય નહીં જાણી શકીએ કે કોરોનાથી મરનાર લોકોની સંખ્યા કેટલી હતી, કારણ કે સરકાર કોરોના સામે લડવાની જગ્યાએ આંકડા છુપાવવામાં વ્યસ્ત છે.

(12:00 am IST)