Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દિલ્હીથી નેવાર્ક જતા એર ઇન્ડિયાના વિમાનમાં ઉડ્યુ ચામાચીડીયુ : મુસાફરોએ કરી ચીસાચીસ

પાઈલટે, વિમાનને પરત દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું : મુસાફરોને બહાર કાઢ્યા બાદ, ચામાચીડીયાને દુર કરાયુ હતું

નવી દિલ્હી :દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભરનારી એર ઈન્ડિયાની ફલાઈટમાં એક અસામાન્ય ઘટના બની હતી ,ગુરુવારની રાત્રે, એર ઇન્ડિયાની ફ્લાઈટ નેવાર્ક જઈ રહી હતી. તે સમયે વિમાનની અંદર એક ચામાચીડીયુ ઉડયુ હતું. મુસાફરોની ચીસાચીસ અને હો હા બાદ, પાઈલટે, વિમાનને પરત દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું.

એર ઇન્ડિયાની ફ્લાઈટ ગુરુવારની રાત્રે 2: 20 વાગ્યે દિલ્હીથી નેવાર્ક (યુએસ) માટે રવાના થયું. વિમાન ઉડાન ભર્યાના આશરે 30 મિનિટમાં જ ચામાચીડીયુ ઉડવાની ઘટના બની. એર ઈન્ડિયાની ફ્લાઈટના પાઈલટે, એટીસી દિલ્હીનો સંપર્ક કરીને તુરંત જ વિમાનને પાછા દિલ્હી લઇ જવાનું નક્કી કર્યું.

એર ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ AI -105- DEL-EWR વિમાન માટે લોકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. અને વિમાનને એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યુ હતું. વિમાન લેન્ડ કરાવ્યા પછી ક્રુ મેમ્બરે જણાવ્યુ કે, વિમાનની અંદર ચામાચિડીયુ છે. આથી ચામાચિડીયાને વિમાનમાંથી બહાર કાઢવા માટે, વન વિભાગના કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી.

આ ઘટનાની વધુ વિગતો આપતાં DGCA ના અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં ધુમાડો કર્યા પછી મરેલા ચામાચીડીયાને બહાર કાઢવામાં આવ્યુ હતું. ડીજીસીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઈટ નંબર B 777-300 ER VT-ALM દિલ્હીથી નેવાર્કની વચ્ચે નિયમિત રીતે ઉડે છે.

કેબીનમાં ચામાચીડીયુ દેખાવવાના કારણે વિમાનને પરત લાવીને દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ કરાવીને મુસાફરોને બહાર કાઢ્યા બાદ, ચામાચીડીયાને દુર કરાયુ હતું

(9:18 am IST)