Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સમીક્ષા બેઠકમાં મમતા બેનર્જીની અડધો કલાક રાહ જોતા રહ્યાં પીએમ મોદી :શુભેન્દ્રુ અધિકારીને આમંત્રિત કરાતા દીદી નારાજ

ફાઈલો આપી જતા રહ્યાં બાદ મમતાએ કહ્યું પીએમ મોદીની મંજૂરી લીધા બાદ મીટિંગ છોડી હતી.

કોલકતા: યાસ વાવાઝોડાના વિનાશ બાદ વડાપ્રધાન મોદીએ એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં મુખ્યમંત્રી મમતા બેનરજીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પહોંચ્યા નહતા. પીએમ મોદી 30 મિનિટ સુધી તેમની રાહ જોતા રહ્યાં. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત રાજ્યપાલ ધનખડ પણ ઉપસ્થિત હતા. એવું કહેવાય છે કે, શુભેન્દુ અધિકારીને પણ આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના કારણે મમતા બેનરજી નારાજ હતા.

મીડિયા રિપોર્ટ મુજબ, મમતા બેનરજી અને રાજ્યના મુખ્ય સચિવ એજ પરિસરમાં હાજર હતા, પરંતુ તેઓ અડધા કલાક બાદ આવ્યા અને કેટલાક પેપર્સ આપીને જતા રહ્યાં હતા. મમતાએ કહ્યું કે, તેમને બીજી મીટિંગ માટે જલ્દી પહોંચવાનું છે.

વાવાઝોડાથી થયેલા નુક્સાનની સમીક્ષા બેઠક માટે વડાપ્રધાનને અડધો કલાક રાહ જોવડાવવા અને પછી કેટલીક ફાઈલો આપીને તાત્કાલીક રવાના થવાના આરોપ પર મમતા બેનરજીએ સ્પષ્ટતા કરી છે. મમતા બેનરજીનું કહેવું છે કે, તે બેઠક સમયે જ રાજ્યના અન્ય એક ભાગમાં અધિકારીઓ સાથે તેમની બીજી મીટિંગ હતી. વડાપ્રધાને બેઠક બોલાવી છે, તેની મને જાણકારી નહતી. એ સમયે મારી દીઘામાં પણ બેઠક હતી. આથી મેં તેમને રિપોર્ટ સોંપ્યો અને 20 હજાર કરોડ રૂપિયાની મદદ માંગી છે. 10 હજાર કરોડ રૂપિયાની મદદ દીઘાના વિકાસ માટે અને એટલી જ રકમ સુંદરવનના વિકાસ માટે માંગી છે.

મમતા બેનરજીનું કહેવું છે કે, મેં વડાપ્રધાન મોદીની મંજૂરી લીધા બાદ મીટિંગ છોડી હતી. મે વડાપ્રધાનને કહ્યું કે, મારી રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મીટિંગ છે. જે બાદ મે તેમની મંજૂરી લીધી અને પછી બહાર નીકળી ગઈ.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ આ પ્રથમ અવસર હતો, જ્યાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી મમતા બેનરજી એકબીજાને મળ્યા હોય. જો કે બન્ને વચ્ચે કંઈ ખાસ વાત નહતી થઈ.

અગાઉ કોલકત્તામાં વિક્ટોરિયા પેલેસના ઉદ્ઘાટન પ્રસંગે મમતા બેનરજી અને વડાપ્રધાન મોદી એક જ મંચ પર ઉપસ્થિત હતા. જો કે જ્યારે મમતા બેનરજી ભાષણ આપવા ઉભા થયા, ત્યારે કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવાત મમતા નારાજ થઈને બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

(12:25 am IST)