Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ચીનના પેટમાં રેડાશે તેલ : કોરોના વાયરસ ક્યાંથી આવ્યો ? સત્તાવાર તપાસ કરવા માટે પહેલીવાર ભારતે આપ્યું સમર્થન

WHO દ્વારા કોરોનાની ઉત્પત્તિ વિશે વૈશ્વિક રિસર્ચ અગત્યનું પગલું : ચોક્કસ પરિણામ પર પહોંચવા માટે ઊંડા રિસર્ચની આવશ્યક્તા

વૉશિંગ્ટન: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઈરસની ઉત્પત્તિને લઈને એક વખત ફરીથી અભિયાને વેગ પકડ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કોરોના વાઈરસની ઉત્પત્તિની જાણકારી મેળવવા માટે ફરીથી તપાસ કરવાનું કહ્યું હતું. હવે ભારતે પણ તેનું સમર્થન કર્યું છે અને આ પ્રકારના રિસર્ચ માટે ચીન સહિત અન્ય દેશોના સહયોગની માંગ કરી છે. જેના કારણે ચીનના પેટમાં તેલ રેડાયુ છે

 કોરોના સંક્રમણનો પ્રથમ કેસ 2019ના અંતમાં ચીનના વુહાન શહેરમાં સામે આવ્યો હતો. જે બાદ ધીમે-ધીમે તે સમગ્ર વિશ્નના અન્ય દેશો સુધી પહોંચી ગયો અને ભારે તબાહી મચાવી છે. આજ કારણ છે કે, હાલમાં દુનિયાના 16.87 કરોડ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જે પૈકી 35.06 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં અમેરિકા, ભારત, બ્રાઝીલ, ફ્રાન્સ, ચીન, રશિયા, યુકે અને ઈટલી કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

કોરોના મહામારી વિશ્વભરમાં ફેલાયા બાદ ચીન પર બેદરકારીથી આ વાઈરસ દુનિયામાં ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાઈરસ વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજીથી લીક થયો હતો. જો કે બાદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટીમે તપાસ બાદ કહ્યું હતું કે, વાઈરસના કોઈ લેબથી ફેલાવવાની આશંકા ઘણી ઓછી છે. હજુ વધારે રિસર્ચની આવશ્યક્તા છે. 

તાજેતરમાં અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટમાં સામે આવ્યું કે, વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરૉલોજીના ત્રણ સભ્યો નવેમ્બરમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેમનામાં કોરોના જેવા લક્ષણો જણાયા હતા. જે બાદ અમેરિકાએ નવેસરથી તપાસની માંગ કરી છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ તપાસ ઝડપી કરવાનો આદેશ આપતાં ચીન પરેશાન થઈ ગયું છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિયાને કહ્યું કે, હોઈ શકે છે કે આ વાઈરસ અમેરિકાથી ફેલાયો હોય અને તેના માટે અમેરિકાએ પણ પોતાની લેબ્સને તપાસ માટે ખોલવી જોઈએ. ચીને તપાસમાં WHO ટીમની મદદ કરી અને એક્સપર્ટની ટીમ 14 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી વુહાનમાં સઘન તપાસ કરી ચૂકી છે.

ભારતે કોરોનાની ઉત્પત્તિને લઈને WHOની આગેવાનીમાં શરૂ થયેલા વૈશ્વિક રિસર્ચને પ્રથમ મહત્વપૂર્ણ પગલુ ગણાવીને આગામી તબક્કો શરૂ કરવાની આવશ્યક્તા વ્યક્ત કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, WHO દ્વારા કોરોનાની ઉત્પત્તિ વિશે વૈશ્વિક રિસર્ચ અગત્યનું પગલું છે. જો કે તેના ચોક્કસ પરિણામ પર પહોંચવા માટે ઊંડા રિસર્ચની આવશ્યક્તા છે.

બાગચીએ ચીનનું નામ લીધા વિના કહ્યું કે, કોરોના વાઈરસની ઉત્પત્તિ પર WHOના રિપોર્ટ પર આગળની કાર્યવાહી અને વધુ રિસર્ચ ખૂબ જ જરૂરી છે. એવામાં તમામ દેશોના સહયોગની જરૂર છે. જે બાદ જ કોરોનાની ઉત્પત્તિને લઈને ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. અમેરિકાએ કેસની તપાસ પર ભાર મૂક્યા બાદ ભારતે પણ તેનું સમર્થન કરતાં ચીનના પેટમાં તેલ રેડાયું છે.

(12:33 am IST)