Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રિઝર્વ બેંકે દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેન્કને 10 કરોડનો દંડ ફટકાર્યો

નિયમનકારી પાલનમાં ગેરરીતિઓને કારણે કાર્યવાહી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક પર 10 કરોડ રૂપિયા નાણાકીય દંડ ફટકાર્યો છે. આ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 6 (2) અને ૮ ની જોગવાઈઓના ઉલ્લંઘન માટે લાદવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે નિયમનકારી પાલનમાં ગેરરીતિઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે બેંકના ઓટો લોન પોર્ટફોલિયોને લઈને અનેક ફરિયાદો મળી હતી. જેની તપાસમાં અનેક ગેરરીતિઓ મળી હતી.

 

તાજેતરમાં જ આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંક પર 3 કરોડનો દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 1 જુલાઈ, 2015 ના રોજ જારી કરાયેલ વર્ગીકરણ મૂલ્યાંકન અને રોકાણના પોર્ટફોલિયોના સંચાલન માટેના માસ્ટર સર્ક્યુલેશન-પ્રુડેન્શિયલ નોર્મના જરૂરી માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકે કહ્યું હતું કે આ કાર્યવાહી નિયમનકારી પાલનમાં ગેરરીતિઓને લીધે કરવામાં આવી છે.

તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંકે નિયમોના ભંગ બદલ મહારાષ્ટ્રની એક સહકારી બેંકને પણ દંડ ફટકાર્યો હતો. આરબીઆઇએ જણાવ્યું હતું કે પ્રિયદર્શિની મહિલા નાગરી સહકારી બેંકને રૂ ૧ લાખનો દંડ ફટકારાયો છે. સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક હેઠળ અપાતી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા માટે કાર્યવાહી કરાઈ હતી. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 સોંપાયેલ સત્તાઓ હેઠળ દંડ કરવામાં આવ્યો છે.

(9:45 am IST)