Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દુનિયાની સૌથી મોંઘી કાર કિંમત છે ૨૦૦ કરોડ

કારને રોલ્સ રોયસે ચાર વર્ષની મહેનત પછી તૈયાર કરી છે

ન્યુયોર્ક,તા.૨૯: લકઝરી કાર બનાવતી કંપની રોલ્સ રોયસે દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. આ કારનું નામ બોટ ટેઈલ છે અને તેની કિંમત ૨૦ મિલિયન પાઉન્ડ એટલે કે આશરે ૨૦૦ કરોડ રૂપિયા છે. આ કારને રોલ્સ રોયસે ચાર વર્ષની મહેનત પછી તૈયાર કરી છે.

રોલ્સ રોયસ બોટ ટેઈલ ચાર સીટની લકઝરી કાર છે અને તે ૧૯ ફૂટ લાંબી છે. આ પહેલી રોલ્સ રોયસ કાર છે જે લકઝરી કાર ઉત્પાદકના નવા કોચબિલ્ડ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી છે. આ કાર રોલ્સ રોયસની સ્વેપ ટેઇલ કારથી પ્રેરિત છે. સ્વેપ ટેઇલ, બોટ ટેઇલ પહેલા રોલ્સ રોયસની સૌથી મોંઘી કાર હતી.

સ્વેપ ટેલને રોલ્સ રોયસે ૨૦૧૭ માં લગભગ ૧૩૦ કરોડ રૂપિયામાં વેચી હતી. આ કારનું ફકત એક જ મોડેલને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લકઝરી કાર એક શકિતશાળી યુરોપિયન માણસની વિનંતીને પગલે બનાવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બોટ ટેઇલ કારના ત્રણ મોડેલો લોન્ચ કરવામાં આવશે.

કારનો પાછળનો ભાગ લકઝરી સ્પીડ બોટ જેવો લાગે છે. રોલ્સ રોયસના સીઇઓ ટોર્સ્ટન મ્યુલર કહે છે કે આ કારને કોઈ પણ મહાન રજા માટે અથવા પિકનિક માટે તમામ પ્રકારની સુવિધાઓ સાથે બનાવવામાં આવી છે અને આનાથી કોઈ વધુ સારું પેકેજ તમને કોઈ કારમાં મળશે નહીં.

આ સિવાય કારમાં ૧૫-સ્પીકરની સાઉન્ડ સિસ્ટમ પણ છે. આ સિસ્ટમમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે કે કારના પ્લેટફોર્મનો ઉપયોગ સાઉન્ડ બોકસ તરીકે થઈ શકે. સ્વિટ્ઝર્લ'ન્ડની આઇકોનિક વોચમેકર કંપની બોવી ૧૮૨૨ એ આ કાર માટે ખાસ ઘડિયાળની રચના કરી છે.

આ કારમાં તે જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ અગાઉ રોલ્સ રોયસ કલિનન, ફેન્ટમ અને બ્લેક બેજ જેવી લકઝરી કારમાં કરવામાં આવ્યો છે. સ્૧૨ ૬.૭૫ બાયટર્બો એન્જિન ૫૬૩ એચપી પાવર આપવા માટે સક્ષમ છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં આ કારનો ઉપયોગ અનેક પ્રખ્યાત હસ્તીઓ દ્વારા કરવામાં આવે છે. ડાયરેકટર વિધુ વિનોદ ચોપડાએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને રોલ્સ રોયસ ફેન્ટમ ભેટ આપી હતી. એકલવ્ય ફિલ્મમાં અમિતાભ બચ્ચને વિધુ વિનોદ ચોપડા સાથે કામ કર્યું હતું અને ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યારે કારને દિગ્દર્શકે અમિતાભને ભેટ આપી હતી.

આ સિવાય બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પાસે પણ આ લકઝરી કાર છે. જેમાં રિતિક રોશન, પ્રિયંકા ચોપડા, શાહરૂખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, સંજય દત્ત્। અને બાદશાહ જેવા સેલેબ્સ શામેલ છે.

(10:15 am IST)