Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અંગદાન મહાદાન

જતા જતા પાંચ લોકોને નવું જીવન આપીને ગઈ બ્રેઈન ડેડ મહિલા

એક ૫૮ વર્ષીય દર્દીએ જીવવાની આશા છોડી દીધી હતીઃ પરંતુ મહિલાના પરિવારના એક નિર્ણયને કારણે તેમના જેવા પાંચ લોકોને જીવનદાન મળ્યુ

નવી દિલ્હી, તા.૨૯: અંગદાન એ જ મહાદાન. આ કહેવત તમે ઘણી વાર સાંભળી હશે, દિલ્હીની એક મહિલાએ આ કહેવતને સાર્થક કરી છે. મહિલા પોતે તો દુનિયામાંથી જતી રહી પરંતુ જતાં જતાં પાંચ લોકોને નવજીવન આપીને ગઈ છે. ઉલ્લેખનીય છે કે સારવાર દરમિયાન મહિલા બ્રેઈન ડેડ થઈ ગઈ હતી. પરિવારના લોકોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો અને એવા પાંચ લોકોને જીવન મળ્યું જે અંગદાનની રાહ જોઈ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બ્રેઈન ડેડ થયા પછી મહિલાનું હૃદય એઈમ્સમાં એક દર્દીને લગાવવામાં આવ્યું. એક લિવર અને એક કિડનીનું ગંગારામ હોસ્પિટલમાં બે અલગ અલગ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, જયારે અન્ય એક કિડની પ્રાઈવેટ હોસ્પિટલમાં આપવામાં આવી. વિગતવાર વાત કરીએ તો ૨૦મી મેના રોજ માથામાં સખત દુખાવો અને ઉલ્ટી થવાને કારણે મહિલાને ગંગારામ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી. તે કોરોના સંક્રમિત નહોતી. તપાસમાં જાણવા મળ્યું કે તે બ્રેઈન હેમરેજનો શિકાર બની છે.

સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થઈ ગયું. ૨૧ વર્ષીય દીકરા અને પતિને મુકીને મહિલા આ દુનિયા છોડીને જતી રહી. બ્રેઈન ડેડ હોવાને કારણે હોસ્પિટલે ઓર્ગન ડોનેશન ટીમના કાઉન્સિલરનો સંપર્ક કર્યો. પરિવારે હિંમત દર્શાવી અને અંગદાન માટે તૈયાર થઈ ગયા. હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટના ચેરમેન ડોકટર નૈમિશ એન મેહતાએ જણાવ્યું કે, ડોકટરોની એક ટીમ દ્વારા અંગોને નીકાળવામાં આવ્યા. એક ૫૮ વર્ષીય વ્યકિતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, જે ૨ વર્ષથી વધારે સમયથી વેટિંગ લિસ્ટમાં હતા. તેમણે તો જીવવાની આશા જ છોડી દીધી હતી, પરંતુ પરિવારના આ નિર્ણયને કારણે તેમને જીવન મળી ગયું.

ડોકટર મેહતાએ કહ્યું કે, કૈડવર અંગોના માધ્યમથી ટ્રાન્સપ્લાન્ટની યાદી ઘણી લાંબી છે. ગંગા રામ હોસ્પિટલમાં અત્યારે ૧૭૯ દર્દી કૈડવર લિવર અને ૪૮૪ દર્દી કૈડવર કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. હોસ્પિટલના ચેરમેન ડોકટર ડી.એસ.રાણા પણ જણાવે છે કે, અમે હંમેશા કૈડવેર ડોનેશન જાગૃતિ કાર્યક્રમમાં આગળ રહ્યા છીએ. અમે તે લોકો માટે અલગ પોર્ટલ બનાવ્યું છે જેઓ મૃત્યુ પછી પોતાના અંગ ડોનેટ કરવા માંગે છે. તેમણે મૃતકના પરિવારનો આભાર પણ વ્યકત કર્યો છે.

(10:19 am IST)