Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમો ૨૦૨૧

ગૂગલ, ફેસબુક અને વોટસએપએ આખરે ઝુકયાઃ ટવીટર અંગે અસમંજસ

નવી દિલ્હી, તા.૨૯: નવા સોશિયલ મીડિયા નિયમો અંગે ગૂગલ, ફેસબુક અને વોટ્સએપ અને ટ્વિટર સહિતની સોશિયલ મિડિયા કંપનીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠનો ઉકેલ આવતો જોવા મળી રહ્યો છે, સરકારી સૂત્રોએ ખુલાસો કર્યો છે કે ગૂગલ, ફેસબુક અને વોટ્સએપે સોશિયલ મીડિયાના નવા નિયમો સ્વીકાર્યા છે.

આ અંગેની માહિતી સરકારને પણ આપવામાં આવી છે. જયારે, ટ્વિટર નવા નિયમોનું પાલન કરી રહ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્વિટર સિવાય ગૂગલ, ફેસબુક અને વોટ્સએપે નવા સોશિયલ મીડિયા નિયમો હેઠળ માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે વિગતો શેર કરી છે.

ઉલ્લેખનિય છે કે આ માહિતી સુત્રો પાસેથી આવી રહી છે. આવી સ્થિતિમાં, અન્ય તમામ લોકોએ સરકારના આઇટી નિયમ પર સંમતીની મહોર લગાવી દીધી છે, જયારે હાલમાં ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટૂલકિટ મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ટ્વિટરની ગુરૂગ્રામ ઓફિસ પર દરોડા પાડ્યો હતો, ત્યારબાદ ટ્વિટરે પણ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

સૌથી મહત્વની બાબત અહીં એ છે કે, ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ મુજબ, સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ સંપર્ક અધિકારી અને ફરિયાદ અધિકારીની માહિતી ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રાલયને શેર કરી છે.

(10:25 am IST)