Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

GST: વિલંબ, લેટ ફી અને વ્યાજમાં વેપારીઓને મળી રાહત

રિટર્ન ફાઈલમાં સરકારે આપી મોટી છૂટછાટ

નવી દિલ્હી,તા. ૨૯: ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના રિટર્ન ફાઈલ કરવામાં અને જીએસટીના નાણાં જમા કરાવવા માટે ચૂકવવાના થતાં વ્યાજમાં પણ રાહત આપવાનો નિર્ણય આજે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે. લેટ ફીમાં પણ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિના માટે આપવામાં આવેલી છૂટનો સમયગાળો વધુ એક મહિના માટે એટલે કે મે મહિના માટે પણ લંબાવી આપવામાં આવ્યો છે.

રૂપિયા પાંચ કરોડ પ્લસનું ટર્નઓવર ધરાવનારાઓ રિટર્ન ફાઈલ કરવાની નિર્ધારિત તારીખથી ૧૫ દિવસ મોડું રિટર્ન ફાઈલ કરે તો તેમને વેરાની ભરવાની થતી રકમ પર નવ ટકાના દરે વ્યાજની ચૂકવણી કરવી પડશે. પંદર દિવસથી વધુ મોડું કરે અને ૩૦ દિવસમાં રિટર્ન ફાઈલ કરે તો તેમને ૧૮ ટકા વ્યાજ ચૂકવવાની ફરજ પડશે.

પંદર દિવસથી ઓછું મોડું કરવામાં આવ્યું હશે તો લેટ ફી ભરવામાંથી પણ તેમને માફી આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. રિટર્ન મોડું ભરે અને તે વેપારીનું ટર્નઓવર શૂન્ય હોય તો તેવા સંજોગોમાં રોજની રૂ. ૨૦ની પેનલ્ટી લેવામાં આવતી હતી. તેમની પાસેથી હવે મહત્ત્।મ રૂ. ૫૦૦ની જ પેનલ્ટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બીજા માટે આ પેનલ્ટી રોજના રૂ.૫૦ની છે. આ જ રીતે રૂ. ૧.૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારા વેપારીઓ પાસેથી મહ્રતમ પેનલ્ટી રૂ.૨૦૦૦ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ જ રૂ.૧.૫થી ૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પાસેથી પેનલ્ટી તરીકે વધુમાં વધુ રૂ. ૫૦૦૦ લેવાનો અને રૂ. ૫ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પાસેથી પેનલ્ટી તરીકે વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જુલાઈ ૨૦૧૭થી એપ્રિલ ૨૦૨૧ના ગાળામાં કોઈપણ વેપારીએ રિટર્ન ફાઈલ ન કર્યું હોય અન તેનું ટર્નઓવર શૂન્ય હોય તેમને માત્ર રૂ. ૫૦૦ ભરીને તમામ રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી છે. આ જ રીતે બીજા વેપારીઓને રૂ. ૧૦૦૦ ભરીને તમામ રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી છે.

(11:39 am IST)