Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કાશ્મીરમાં પાંચ ફરાર યુવકો ઝડપાયાઃ એક આતંકવાદી બની ગયો હતો અને ચાર બનવાના હતા

જમ્મુઃ સુરક્ષાદળોએ કાશ્મીરમાં એ પાંચ યુવકોને પકડયા છે. જેમાંથી ચાર આતંકવાદી જુથોમાં સામેલ થવાના હતા અને એક આતંકવાદી બની ગયો હતો.

કુલગામ પોલીસે સેના સહિત અન્ય સુરક્ષાદળોની મદદથી દક્ષિણ કાશ્મીરના કુલગામ જીલ્લામાંથી એક આતંકવાદીની ધરપકડ કરી છે. શોપીયાનો રહીશ આ આતંકવાદી હાલમાં જ આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. સુરક્ષાદળો દ્વારા ચલાવાયેલ એક ખાસ સર્ચ ઓપરેશન દરમિયાન આ આતંકવાદીને પકડી લેવાયો હતો. તેની ઓળખ શાકિર અહેમદ તરીકે થઇ છે.

પોલીસ સુત્રોએ જણાવ્યુ કે શાકીર ઘરેથી ફરાર થયા પછીથી પોલીસ તેને શોધી રહી હતી. તેમને શંકા હતી કે તે આતંકવાદી સંગઠનમાં સામેલ થઇ ગયો છે. તેમને બાતમી મળી હતી કે શાકીર આતંકવાદી સંગઠનમાં જોડાઇ ગયો છે અને અત્યારે કુલગામના યારીપોરામાં છુપાયેલ છે. ત્યારબાદ પોલીસ યારીપોરાના કુજજર ગામમાં એક સર્ચ ઓપરેશન ચલાવ્યુ અને એક જગ્યાએ છુપાયેલા આ યુવકોની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલ યુવકોમાં શોપીયાનો જાકીર અયુબ મલિક, કુલગામના યારીપોરાના આંશિક અહમદ હાજમ (૨૪), બસિત રીયાઝ હાઝમ (૧૭) અને ઓવિલ ગુલઝાર તાંત્રે (૧૯) સામેલ છે. પોલીસ તેમની પુછપરછ કરી રહી છે. પોલીસ શંકા વ્યકત કરી છે કે આ યુવકો આતંકી સંગઠનમાં જોડાઇને ટ્રેનીંગ મેળવવા માટે સરહદ પાર જવાની ફિરાકમાં હતા.

(1:00 pm IST)