Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

IPLના બાકીના ૩૧ મેચો UAEમાં રમાશે

ક્રિકેટપ્રેમીઓ આનંદો... આઈપીએલના બાકીના મેચો સપ્ટેમ્બર- ઓકટોબરમાં યોજવા માટે BCCI તૈયાર : વર્લ્ડકપ અંગે ICC પાસે જુલાઈ સુધીનો સમય મંગાશેઃ ટી-૨૦ વર્લ્ડકપ ઓકટોબર- નવેમ્બરમાં ભારતમાં રમાનાર છે પણ ભારતમાં સ્થિતિ નહી સુધરે તો યુએઈમાં યોજાશે

નવી દિલ્હીઃ IPL ૨૦૨૧ને જ્યારથી સ્થગિત કરવામાં આવી ત્યારથી ક્રિકેટ રસિકોમાં દુઃખની લાગણી છવાઇ ગઇ હતી પરંતુ હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. IPL ૨૦૨૧ની બાકી રહેલી મૅચ રમાડવા માટે ઘણા દેશોએ ઓફર કરી હતી પરંતુ હવે ફાઇનલી બાકીની મૅચો જોઇ શકાશે. UAEમાં બાકી રહેલી IPLની મૅચ રમાશે.  અત્યાર સુધી આ વાતને લોકો અફવા માની રહ્યાં હતા પરંતુ BCCIએ મોહર લગાવી દીધી છે કે IPL૨૦૨૧ની બાકી રહેલી મેચ UAEમાં જ રમાડવામાં આવશે. રાજીવ શુકલાએ આજે સત્તાવાર જાહેરાત કરી હતી.

આઈપીએલના બીજા તબકકાની મેચોનું આયોજન યુએઇમાં થવાની પહેલેથી સંભાવના વ્યકત કરાઇ હતી. કોરોનાના લીધે આઇપીએલ ૨૦૨૧ને ૪ મેના રોજ સસ્પેન્ડ કરી દેવાઇ હતી. પહેલાં તબકકામાં ૨૯ મેચ રમાઇ હતી. બાકીની ૩૧ મેચ હવે સંયુકત અરબ અમીરાતમાં રમાશે.

સપ્ટેમ્બર અને ઓકટોબરમાં ખરાબ હવામાનની આશંકાને જોતા બીસીસીઆઈએ યુએઇમાં આ ટી૨૦ લીગને શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. IPL ૨૦૨૧ની બાકીની મેચોનું આયોજન ૧૯ કે ૨૦ સપ્ટેમ્બરથી થઇ શકે છે. ફાઇનલ મેચ યુએઇમાં ૧૦ ઓકટોબરના રોજ રમાશે.

ઇંગ્લિશ કાઉન્ટીની ચાર મુખ્ય ટીમો મિડિલસેકસ, સરે, વારવિકશર અને લંકાશરે ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકી ૩૧ મેચોની યજમાની માટે ઇચ્છા વ્યકત કરી હતી. પરંતુ યુએઇ કરતાં લંડન વધુ ખર્ચાળ હોય ત્યાં આઈપીએલના બાકીના મેચો યોજવા બીસીસીઆઈએ અનિચ્છા દર્શાવી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે મહત્ત્વના મુદ્દાઓ પર એક સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ જણાવ્યું હતું કે આ સીઝનની આઈપીએલની બાકીની ૩૧ મેચ UAEમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું કે UAE તેમના ૩ ગ્રાઉન્ડ અબુધાબી, શારજાહ અને દુબઈમાં મેચ રમાડવા માટે ખુશ છે.

ટી-૨૦ વર્લ્ડ કપ વિશે ૧ જૂને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મીટિંગ થવાની હતી. BCCI વર્લ્ડ કપને હોસ્ટ કરવા વિશે નિર્ણય લેવા માટે મીટિંગમાં ૧ જૂન સુધીનો સમય માંગશે. બોર્ડ વર્લ્ડ કપ વિશે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ભારતમાં કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા પણ કરશે.

BCCIના એક સૂત્રએ  જણાવ્યું હતું કે ટી-૨૦ વર્લ્ડ કપ વિશે ૧ જૂને ICCની મીટિંગ થવાની છે. આ સંજોગોમાં SGMનું ઘણું મહત્ત્વ છે. આપણે જોવું પડશે કે ભારતમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ એસોસિયેશન વર્લ્ડ કપ કેટલું તૈયાર છે.

બીસીસીઆ ટી૨૦ વર્લ્ડ કપ વિશે અંતિમ નિર્ણય લેવા માટે આઇસીસી પાસેથી જુલાઈ સુધીનો સમય માંગશે. આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં પ્રસ્તાવિત છે. જો ભારતમાં સ્થિતિ નહીં સુધરે તો વર્લ્ડ કપ પણ યૂએઇમાં યોજી શકાય છે. કોરોના મહામારીને કારણે આઇપીએલ ૨૦૨૦ પણ યૂએઇમાં જ આયોજિત થઈ હતી.

(2:57 pm IST)