Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પંતજલી ગુરૂકુળ પર ૪ બાળકોને બંધક બનાવવાનો આરોપ, છોડવવામાં આવ્યા

નવી દિલ્હી : બાબા રામદેવ અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા છે. એલોપેથી પર ટિપ્પણી અને પછી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સાથે વિવાદ બાદ હવે રામદેવની પતંજલિ ગુરૂકૂળનો એક વિવાદ સામે આવ્યો છે. હરિદ્વાર સ્થિત પતંજલિ ગુરૂકૂળે છત્તીસગઢના ચાર વિદ્યાર્થીઓને બંધક બનાવીને રાખ્યા હતા. બાદમાં પોલીસની મદદથી બાળકોને ત્યાથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાળકોના પેરેન્ટ્સની હરિદ્વારના ડીએમને કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ગુરૂકૂળે બાળકોને પરત મોકલવા માટે ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ વિદ્યાર્થી માગ્યા હતા.

આ તમામ વિદ્યાર્થી છત્તીસગઢના ગરિયાબંદના હતા, આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ૨૮ મેએ ટ્વીટ કર્યુ હતું.

બઘેલે કહ્યુ, મને ફરિયાદ મળી છે કે છત્તીસગઢના ચાર વિદ્યાર્થીઓને પતંજલિ ગુરૂકૂળમાં બંધક બનાવવામાં આવ્યા છે. ગરિયાબંદ કલેકટર અને એસપીની દખલ બાદ બાળકોને છોડી દેવામાં આવ્યા હતા. હું તેમના ઉજ્જવલ ભવિષ્ય પ્રાર્થના કરૂ છું.

એસપી ગરિયાબંદ ભોજરામ પટેલે કહ્યુ કે હરિદ્વારના ગુરૂકૂળમાં બાળકોને રોકવાની જાણકારી મળ્યા બાદ જિલ્લાની પોલીસે તુરંત કાર્યવાહી કરી છે અને હરિદ્વાર તંત્રની મદદથી બાળકોનો રેસક્યૂ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ્સનું કહેવુ છે કે વિદ્યાર્થીઓના પરિવારજનોએ ૨૬ મેએ હરિદ્વારના ડીએમને ફરિયાદ કરી હતી. તેમના અનુસાર પરિવારજનોએ એડમિશનના સમયે જ ૨,૬૦,૦૦૦ ગુરૂકૂળને આપ્યા હતા પરંતુ જ્યારે તેમણે ગુરૂકૂળમાંથી બાળકોને ઘરે પરત મોકલવાની વાત કરી તો ગુરૂકૂળે વધુ પૈસા માંગ્યા હતા.

IMA સાથે વિવાદ બાદ આ બાબા રામદેવ સબંધિત ગંભીર કેસ સામે આવ્યો છે. રામદેવ સતત ડૉકટરો પર ટિપ્પણી કરી રહ્યા છે.

(4:09 pm IST)