Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દિલ્હીમાં રોજના ૪પ હજારથી વધુ કેસ નોંધાશે

ત્રીજી લહેર અંગે આઇઆઇટીની દિલ્હી સરકારને ચેતવણી : ત્રીજી લહેર અંગેનો રીપોર્ટ આઇઆઇટી દિલ્હીએ હાઇકોર્ટમાં રજુ કર્યો

નવી દિલ્હી, તા. ર૯ :  આઇઆઇટી -દિલ્હીએ તેમના એક રીપોર્ટમાં કહ્યું છે કે દિલ્હીને કોરોનાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થવા માટે તૈયાર રહેવું પડશે. ત્યાં કોરોનાના અંદાજે ૪પ હજારથી વધુ કેસ આવી શકશે. તેમાંથી ૯૦૦૦ દર્દી એવા હશે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. આ રીપોર્ટ કોરોનાની ત્રીજી લહેર અંગે દિલ્હી હાઇકોર્ટમાં જમા કરવામાં આવી છે.

નિષ્ણાંતોએ દિલ્હી સરકારને અત્યારથી જ તૈયારીમાં લાગી જવાની સલાહ આપી છે નહીતર ભયંકર પરિસ્થિતિ ઉભી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એમણે કહ્યું છે કે ૯ હજારથી વધુ દર્દીઓને દરરોજ તત્કાળ દવાખાને દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ પણ ઉભી થઇ શકે છે.

આ ભયંકર પ્રકારના પડકારને પહોંચી વળવા માટે દિલ્હીને દરરોજ ૯૪૪ મેટ્રિક ટન ઓકિસજનની જરૂર પડવાની છે. આઈ.આઈ.ટી નો આ રિપોર્ટ દિલ્હી હાઇકોર્ટમાં ફાઈલ કરવામાં આવ્યો છે.

દિલ્હી હાઈકોર્ટ દ્વારા સરકારને એવી સૂચના આપવામાં આવી છે કે જે પ્રકારની ભલામણ કરવામાં આવી છે અને જે ખતરો દર્શાવવામાં આવ્યો છે તેની સામે અગાઉથી કેવી તૈયારી કરવામાં આવી છે અને શું પગલાં લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

જોકે ગઈ કાલે મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવે દિલ્હીને સોમવારથી તબક્કાવાર હળવે હળવે ખોલવામાં આવશે અને ખતરો ઓછો થઈ ગયો છે ત્યારે લોકોને થોડીક છૂટછાટ આપવામાં આવશે.

નવી ચેતવણી બાદ દિલ્હીની સરકાર કેવા પગલાં લે છે અને હાઇકોર્ટ ને કેવી માહિતી આપે છે તે જોવાનું રહેશે અને જે પ્રકારનો ખતરો દર્શાવવામાં આવ્યો છે તેને જોતાં દિલ્હીની સરકાર આગામી દિવસોમાં મોટા સંકટનો સામનો કરી શકે છે.

(4:12 pm IST)