Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

હોંગકોંગમાં વેક્સિન લેનારને એપાર્ટમેન્ટના ભેટની ઓફર

વેક્સિનેશન માટે પ્રોત્સાહન આપવા વિવિધ સ્કિમ : હોંગકોંગમાં કોરોનાની વેક્સિન લેવા માટે લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી તેથી એક કંપની દ્વારા ઓફર

નવી દિલ્હી, તા. ૨૯ : લોકોને કોરોનાની  વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવા  અમેરિકામાં જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે અને હવે હોંગકોંગ પણ રસ્તે છે.

હોંગકોંગમાં કોરોનાની વેક્સીન લેવા માટે લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી ત્યારે હોંગકોંગની એક ડેવલપર કંપની સિનો ગ્રૂપે વેક્સીનના બંને ડોઝ લેનારા લોકો માટે એક લકી ડ્રો યોજીને તેમને ૧૪ લાખ ડોલરનુ એપાર્ટમેન્ટ પ્રાઈઝ તરીકે આપવાની જાહેરાત કરી છે.

કંપની દ્વારા પોતાના નવા પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ આપવાની ઓફર કરાઈ છે. વાત ત્યારે સામે આવી છે જ્યારે અહીંયા સરકાર નહીં વપરાયેલી વેક્સીનના ડોનેશન માટે વિચારણા કરી રહી છે.કારણકે વેક્સીનના કેટલાક ડોઝ ઓગસ્ટ મહિનામાં એક્સપાયર થઈ જવાના છે.દુનિયાભરમાં વેક્સીનની વધી રહેલી માંગ વચ્ચે જોકે હોંગકોંગ સરકારે લોકોને કોઈ જાતનુ નાણાકીય પ્રોત્સાહન આપવાની અટકળોને ફગાવી દીધી છે.

હોંગકોંગમાં અત્યાર સુધીમાં માત્ર ૧૨. ટકા લોકોનુ રસીકરણ થયુ છે.અહીંની કુલ વસ્તી ૭૫ લાખ છે.જ્યારે તેના પાડોશી દેશ સિંગાપુરમાં ૨૮ ટકા વસતીને કોરોનાની રસી અપાઈ ચુકી છે.હોંગકોંગમાં પ્રોપર્ટીના ભાવ ઘણા વધારે છે ત્યારે વેક્સીન લેનારાને એક એપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપવાની ઓફર કદાચ લોકોને વેક્સીન માટે પ્રોત્સાહિત કરી શકે છે.

(7:17 pm IST)