Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

લઠ્ઠાકાંડ સંદર્ભે યુપીના અનેક અધિકારી સસ્પેન્ડ

યુપીના અલીગઢમાં લઠ્ઠાકાંડનો મૃત્યઆંક ૨૮ થયો : ૫ આરોપીની ધરપકડ : કેસના ૨ મુખ્ય આરોપી ફરાર છે જેમના માટે ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર

નવી દિલ્હી, તા. ૨૯ : ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે લઠ્ઠાકાંડની દુર્ઘટનામાં મૃતકઆંક વધીને ૨૮એ પહોંચ્યો છે. મોડી રાત સુધીમાં મોટા ભાગના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. તે સિવાય અનેક લોકોને જિલ્લા હોસ્પિટલ અને જેએન મેડિકલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે.

કેસમાં બેદરકારીના આરોપસર જિલ્લા આબકારી અધિકારી, આબકારી નિરીક્ષક સહિત અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને દારૂની તસ્કરીના રેકેટમાં આરોપી અનિલ ચૌધરી સહિત લોકોની ધરપકડ કરી છે. કેસના મુખ્ય આરોપીઓ ફરાર છે જેમના માટે ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

કેસમાં શરાબ કારોબારી એવા રાલોદના નેતા અનિલ ચૌધરી સહિત લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય ભાજપ સાથે સંકળાયેલા ઋષિ શર્મા અને વિપિન યાદવ ફરાર છે અને તેમના માટે ઈનામની ઘોષણા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મામલે એક્શનમાં આવી ગયા હતા. તેમણે અલીગઢના અધિકારીઓ સાથે વાત કરીને પીડિતોની મદદ કરવા નિર્દેશ આપ્યો હતો અને આરોપીઓ પર એનએસએ લગાવવાનો આદેશ પણ આપ્યો હતો. સાથે જો કોઈ સરકારી દુકાનેથી દારૂ ખરીદવામાં આવ્યો હોય તો તેને સીઝ કરવા અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવા પણ કહ્યું હતું.

(7:25 pm IST)