Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ઓક્સિજન અંગે બિકાનેર મોડેલ લાગુ કરવા સલાહ

કોરોના કાળમાં મેડિકલ ઓક્સિજનનો વેડફાટ : બિકાનેર મોડેલને દેશવ્યાપી સ્તરે લાગુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પત્ર લખીને સલાહ આપવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૯ : કોરોનાના સંક્રમણ વચ્ચે મેડિકલ ઓક્સિજનનો વેડફાટ પણ એક મોટી સમસ્યા બનીને સામે આવ્યો છે. હવે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક પત્ર લખીને ઓક્સિજન વેડફાટ અટકાવવા માટે બિકાનેર મોડેલ લાગુ કરવા માટે સલાહ આપી છે.

કોરોના કાળમાં પહેલા ભીલવાડા મોડેલ પણ પહેલી લહેર વખતે ચર્ચામાં રહ્યુ હતુ. પછી હવે બિકાનેર મોડેલને દેશવ્યાપી સ્તરે લાગુ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તાજેતરમાં પીએમ મોદીએ દેશના કેટલાક કલેકટરો સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન કલેકટરો દ્વારા કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની જાણકારી મેળવવામાં આવી હતી. જેમાં બિકાનેરના કલેકટર નમિત મહેતાની ઓક્સિજન મિત્ર યોજના પીએમ મોદીને પસંદ આવી હતી.

માટે તેમણે સાત મિનિટ સુધી મહેતાની યોજનાને સમજી હતી અને પછી તેમની પ્રશંસા કરી હતી. હવે સરકારે મોડેલ લાગુ કરવા માટે તમામ રાજ્યોને સલાહ આપી છે. મળતી વિગતો પ્રમાણે એપ્રિલ મહિનામાં કલેકટર મહેતાએ પોતાના જિલ્લામાં એક કોવિડ હોસ્પિટલનુ નિરિક્ષણ કરતી વખતે જોયુ હતુ કે, ઓક્સિજન પરના કોરોનાના દર્દીઓ જ્યારે ભોજન કરતા હોય છે અથવા તો વોશરૂમ જતા હોય છે ત્યારે ઓક્સિજન ફ્લો ચાલુ રહે છે. તે સમયે એમ પણ ઓક્સિજનની અછત હતી.

જોયા બાદ તેમણે ઓક્સિજન મિત્ર યોજના અમલમાં મુકી હતી. માટે તેમણે ૧૦૦ નર્સિંગ સ્ટુડન્ટ્સને આઠ કલાકની શિફ્ટમાં હોસ્પિટલોમાં નિયુક્ત કર્યા હતા. જેમને ઓક્સિજન ફ્લો મોનિટર કરવાની જવાબદારી અપાઈ હતી. કન્સેપ્ટ લાગુ કરવાથી હોસ્પિટલમાં ઓક્સિજનની ખતત ૮૦૦ સિલિન્ડર પરથી ઘટીને ૬૦૦ સિલિન્ડર પર પહોંચી હતી.

ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર દરમિયાન ભીલવાડા મોડેલ લાગુ કરાયુ હતુ. જેમાં શહેરમાં આકરૂ લોકડાઉન લગાવીને સંક્રમણને રોકવામાં આવ્યુ હતુ. શહેરની બોર્ડરને સીલ કરીને કોરોનાના દર્દીઓ શોધવામાં આવ્યા હતા અને તેમને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

(7:26 pm IST)