Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સેકન્ડોમાં સૂરજને ઢાંકી દેતા ચંદ્રનો વીડિયો વાયરલ થયો

સોશ્યલ મીડિયા પર ૩૦ સેકન્ડનો વિડીયો વાયરલ : આ વિડીયો આર્કટિક ક્ષેત્રનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે રશિયા અને કેનેડાની વચ્ચે દિવસના સમયનો છે

નવી દિલ્હી,તા.૨૯ : હાલમાં સોશ્યલ મીડિયા પર એક ૩૦ સેકન્ડનો વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વિશાળ ચંદ્ર પસાર થતો દેખાઇ રહ્યો છે, જે ગણતરીની સેકન્ડોમાં નાના એવા દેખાતો સૂર્યને સંપૂર્ણ ઢાંકી દે છે. વિડીયો આર્કટિક ક્ષેત્રનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે રશિયા અને કેનેડાની વચ્ચે દિવસના સમયનો છે.

વિડીયો બુધવારથી વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો સાચો માનીને શેર કરી રહ્યા છે. પરંતુ અમુક ફેક્ટ ચેકિંગ વેબસાઇટ અને અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે, વિડીયો એક ટીકટોક યુઝર એલેક્સે એનિમેશન દ્વારા એડિટ કર્યો છે. તે પણ જાણવા મળ્યુ છે કે વિડીયો બનાવનાર તે વ્યક્તિ છે, જેણે અગાઉ પણ UFO on Moon નામે એક વિડીયો બનાવ્યો હતો અને તેને પણ લોકોએ ખૂબ વાયરલ કર્યો હતો.

અહીં વિડીયોમાં એક બીજી વાત ધ્યાન દેવા લાયક છે કે, તેમાં આર્કટિક વિસ્તારને ઘાસ વાળો બતાવવામાં આવ્યો છે, જ્યારે હકીકતમાં વિસ્તાર બરફાચ્છાદિત છે.

જ્યારે ચંદ્ર ઝડપથી પસાર થાય છે, ત્યારે તળાવમાં તેનો કોઇ પડછાયો દેખાતો નથી. વિડીયોમાં ચંદ્ર ૩૦ સેકન્ડ માટે નીકળે છે અને ગણતરીની વારમાં તે પોતાનાથી નાના દેખાતા સૂર્યને સેકન્ડ માટે સંપૂર્ણ ઢાંકી દે છે. જેવું કે સૂર્ય ગ્રહણના સમયે થાય છે. જોકે તેમાં સૂર્યગ્રહણનો ક્યાંય પણ ઉલ્લેખ કરાયો નથી.

પરંતુ વિડીયો લોકોએ સમજ્યા વગર ખૂબ વાયરલ કરી દેતા ઘણા લોકોએ તેમના પર રોષ વ્યક્ત કર્યો હતો. ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર ૨૩૮,૦૦૦ માઇલ્સ (૩૮૨,૯૦૦ કિમી) છે. તેમ છતા પૃથ્વીની આસપાસ તેની ભ્રમણ કક્ષા એક સંપૂર્ણ વર્તુળ નથી, જેમ વિડીયોમાં દેખાડવામાં આવી છે. વિડીયો એવા સમયે વાયરલ થયો, જ્યારે વિશ્વભરના લોકો બુધવારે મેગા કોસ્મિક ઇવેન્ટ- સુપર બ્લડ મૂનને નિહાળવા ખૂબ ઉત્સુક હતા. ૨૬મેના દિવસે સંપૂર્ણ ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું હતું.

જેમાં ચંદ્ર પૃથ્વીની કક્ષામાં સૌથી નજીક પહોંચ્યો હતો. દર વર્ષે તેવા દિવસો આવે છે, જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક રેખામાં આવે છે અને તેથી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના બને છે. દરમિયાન લોકો માને છે કે ગ્રહણની અસર દેશ અને વિશ્વની સાથે ૧૨ રાશિઓ પર પણ પડે છે.

(8:39 pm IST)