Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

PSUના ૧૭રમાંથી ૮૬ ડાયરેકટરો ભાજપના

લઉ બે ચાર...લ્યોને ભઇ દસ-બારઃ કેન્દ્રની 'દલા તરવાડી' જેવી નીતિ : RTIમાં સનસનીખેજ ખુલાસોઃ ઇન્ડીપેન્ડેન્ટ ડાયરેકટરોની નિમણુકમાં ભાજપની ઘરની ધોરાજી

નવી દિલ્હી તા. ર૯ :.. પીએસયુ (જાહેર સાહસો) બાબતે ઇન્ડીયન એકસપ્રેસે એક આરટીઆઇ હેઠળ જે માહિતી મેળવી છે તેમાં બહુ જ આશ્ચર્યકારક ખુલાસો થયો છે. ડેટા જણાવે છે કે સેન્ટ્રલ પબ્લીક સેકટર અન્ડરટેકીંગ ના ૧૭ર સ્વતંત્ર ડાયરેકટરોમાંથી ૮૬ ભાજપાના છે. અખબારે ૧૪૬ પીએસયુની પુછપરછ કરી તેમાં જાણવા મળ્યું કે ૯૮ પીએસયુમાં ૧૭ર સ્વતંત્ર ડાયરેકટર છે. તેમાંથી ૬૭ ના બોર્ડ પર ૮૬ ભાજપાના નેતાઓ ડાયરેકટર તરીકે નિમાયેલા છે.

આ બધા વચ્ચે માર્કેટ રેગ્યુલેટર સેબી આજે એ વાત પર ચર્ચા કરવાની છે કે સ્વતંત્ર ડાયરેકટરોના કેસમાં કેવી રીતે સુધારો થઇ શકે છે. તેમની નિમણુંક બોર્ડમાં તેમની ભૂમિકા બાબતે વિચારણા કરવામાં આવશે. બે વર્ષ પહેલા કેન્દ્રની થીંક ટેંક આઇઆઇસીએ  કહયું હતું કે પીએસયુના સ્વતંત્ર ડાયરેકટરોની  પસંદગી કહેવા માટે તો નિષ્પક્ષ હોય છે. પણ ખરેખર એવું છે નહીં. નિષ્ણાંતોને બદલે સરકાર રિટાયર અધિકારીઓ અને રાજકીય વ્યકિતઓને પ્રેફરન્સ આપે છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પણ કહયું છે કે ઘણા જાહેર એકમો ખોટમાં છે. માંદા જાહેર એકમોને નાણાંકીય મદદ આપવાથી અર્થ વ્યવસ્થા પર બોજ પડે છે. સરકાર પાસે એવી ઘણી સંપતિઓ છે જેનો પૂર્ણપણે ઉપયોગ નથી થયો અથવા બેકાર પડી છે. આવી ૧૦૦ પરિસંપતિઓને બજારમાં વેચીને ર.પ લાખ કરોડ ઉભા કરાશે. વડાપ્રધાનનું કહેવું છે કે ખાનગીકરણથી જે પૈસા આવશે તે જનતા માટે ખર્ચ કરાશે. પણ સરકાર પાસે એ વાતનો જવાબ નથી કે આ એકમોની હાલત સુધારવા માટેના સાચા પગલા કેમ નથી લેવાતા સ્વતંત્ર ડાયરેકટોની પસંદગી જે રીતે કરાય છે તેને જોતા એવું જરાય નથી લાગતું કે સરકાર આ બાબતે ધ્યાન આપી રહી છે.

(10:52 am IST)