Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગર્ભવતી મહિલાઓ હવે જરાય ચિંતા વગર મૂકાવે રસી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે દિશા નિર્દેશ બહાર પાડયા

નવી દિલ્હી, તા.૨૯: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. માર્ગદર્શિકા મુજબ ઉપલબ્ધ કોરોના રસી સુરક્ષિત છે. અન્ય વ્યકિતઓની જેમ ગર્ભવતી મહિલાઓ પણ કોવિડ-૧૯ સંક્રમણથી બચવા માટે કોરોના રસી મૂકાવી શકે છે.

સરકાર તરફથી જણાવાયું છે કે તમામ ગર્ભવતી મહિલાઓએ પણ અન્ય લોકોની જેમ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેઓ કોવિડ-૧૯ રજિસ્ટ્રેશન સેન્ટર પર જઈને રજિસ્ટર કરાવી શકે છે. અત્રે જણાવવાનું કે સરકાર તરફથી નિરંતર કોરોના રસી પ્રત્યે લોકોને  જાગૃત કરવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સતત મહિલાઓ સંબંધિત શંકાઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં ડિલિવરી બાદ મહિલાઓને કોરોના રસી લેવા રાહ ન જોવાની સલાહ પણ આપવામાં આવી છે એટલે કે ડિલિવરી બાદ મહિલા ગમે ત્યારે રસી મૂકાવી શકે છે. હવે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગર્ભવતી મહિલાઓ પણ રસી મૂકાવી શકે છે.

આ બધા વચ્ચે ભારતે રસીકરણમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ભારત અમેરિકાને પછાડીને સૌથી વધુ રસીના ડોઝ આપનારો દેશ બન્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે બહાર પાડેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં  કુલ ૩૨,૩૬,૬૩,૨૯૭ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ભારત રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં રસીના કુલ ૩૨,૩૩,૨૭,૩૨૮ ડોઝ અપાયા છે. ભારતમાં રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું. જયારે અમેરિકામાં રસીકરણ ૧૪ ડિસેમ્બરથી શરૂ થયું હતું.

(11:14 am IST)