Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મુંબઈમાં માત્ર ૩૫ દિવસમાં ઊભી કરાઈ ૨૧૭૦ બેડની જમ્બો કોવિડ-૧૯ હોસ્પિટલ

હોસ્પિટલમાં ૭૦ ટકા બેડ ઓકિસજન સપ્લાયવાળા, બાળકો માટે અલગ ૪૨ બેડનો આઇસીયૂ વોર્ડ

મુંબઈ, તા.૨૯: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર ચિંતાનો વિષય બની ગયો છે. એવામાં તમામ રાજય સરકારો પોતપોતાને ત્યાં સ્વાસ્થ્ય સેવાઓ વધુ સુદ્રઢ કરવામાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ નવી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જ મુંબઈમાં માત્ર ૩૫ દિવસની અંદર ૨૧૭૦ બેડની એક વિશાળ કોવિડ હોસ્પિટલને તૈયાર કરવામાં આવી છે. કોરોના મહામારીમાં મુંબઈ સૌથી વધુ પ્રભાવિત શહેર રહ્યું છે.

મુંબઈના મલાડમાં ૩૫ દિવસમાં ઊભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ જર્મન ટેકનોલોજી પર આધારિત છે. તે ફાયરપ્રૂફ અને ઇકો-ફ્રેન્ડલી છે. આ હોસ્પિટલમાં ૭૦ ટકા બેડ ઓકિસજન સપ્લાયવાળા છે. તેની સાથે જ ૩૮૪ બેડ આઇસોલેશન રૂમ પણ તેમાં બનેલા છે.

આ હોસ્પિટલમાં ૪૨ આઇસીયૂ બેડ બાળકો માટે અલગથી ઊભા કરવામાં આવ્યા છે. તેની સાથે જ ૨૦ બેડ ડાયાલિસિસ માટે છે. આ હોસ્પિટલની કામગીરી પર નજર રાખવા માટે ૨૪૦ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આ હોસ્પિટલને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની ઉપસ્થિતિમાં મુંબઈ વિકાસ પ્રાધિકરણ તરફથી ગ્પ્ઘ્ના સોંપવામાં આવી છે.

આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપતા ટ્વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એમએમઆરડીએ દ્વારા મલાડમાં નિર્મિત મોટી કોવિડ હોસ્પિટલ ઉદ્ઘવ ઠાકરેની ઉપસ્થિતિમાં બીએમસીને સોંપવામાં આવી છે. આ ૨૧૭૦ બેડવાળી હોસ્પિટલમાં ઓકિસજન બેડ, આઇસીયૂ, પિડિયાટ્રિક આઇસીયૂ, ડાયાલિસિસ અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે.

(11:15 am IST)