Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

રામજન્મભુમી અયોધ્યામાં ૩ દિવસને બદલે ૧પ દિવસ દિવાળી મનાવવા વિચારણા

અયોધ્યાના વિઝન ડોકયુમેન્ટમાં આપવામાં આવ્યો પ્રસ્તાવઃ ૧પ દિવસ ચારેબાજુ : કાર્યક્રમ અને ઉજવણીનો આનંદ ઉલ્લાસ રેલાવાનો રોડ મેપ તૈયાર : અયોધ્યામાં છેલ્લા વર્ષોમાં થયેલી ઉજવણી અને લાખો દિવાના ઝગમગાટથી શ્રધ્ધાળુઓના મન ધર્મભાવનાથી તરબતર થવા લાગ્યા છેઃ હવે અયોધ્યાને ટુરીસ્ટ પ્લેસ બનાવી ભારતીય ઉપરાંત વિદેશી પર્યટકોને આકર્ષીત કરવાનો ઉદેશ્ય

અયોધ્યા, તા., ૨૯: રામલલ્લાની નગરી અયોધ્યા ધાર્મિક અને આધુનિક નગરી બનાવવા માટે યુપી સરકાર કોઇ કચાશ રાખવા માંગતી નથી. અયોધ્યા વિઝન ડોકયુમેન્ટના માધ્યમથી અયોધ્યાને ભકિત, શકિત અને ઉત્સવની નગરી બનાવવાની તૈયારીઓ થઇ ગઇ છે. અયોધ્યામાં સાંસ્કૃતિક ઉત્સવને વધુ પ્રોત્સાહીત કરવા સલાહ આપવામાં આવી છે. અયોધ્યામાં મનાવવામાં આવતી ૩ દિવસીય દિવાળીને ૧પ દિવસના ઝગમગાટભર્યા દિપોત્સવમાં  તબદીલ કરવાની દરખાસ્ત રાખવામાં આવી છે.

આ દરખાસ્ત મુજબ ૧પ દિવસીય કાર્યક્રમો રોડ મેપ તૈયાર કરી નાખવામાં આવ્યો છે. શારદીય નવરાત્રીથી દિવાળી સુધી હિન્દુ પરંપરા મુજબ ધર્મમય વાતાવરણની સાથે સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાની યુપી સરકારની નેમ છે. ૧૪ દિવસ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજન યોજાશે સાથોસાથ પરીક્રમા માર્ગ ઉપર ભગવાન શ્રીરામ જીવનવૃત ઉપર આધારીત પ્રદર્શન, નવી વિકસીત થવાવાળી અયોધ્યા નગરી (ગ્રીન સીટી) અને પૌરાણીક સ્થળ હનુમાન ગઢી અને ભરતકુંડ ઉપર સાંસ્કૃતિક આયોજન થશે.

 અયોધ્યામાં નાની દિવાળીના દિવસે 'રામ કી પૈડી' ઉપર તાજેતરના વર્ષોમાં પ્રગટાવવામાં આવેલા લાખો દિવાના ઝગમગાટથી શ્રધ્ધાળુઓના મન ધર્મભાવનાથી તરબતર થવા લાગ્યા છે. નવા પ્રસ્તાવનો ઉદ્રેશ્ય ધાર્મિક પર્યટકોને આકર્ષીત કરવાનો છે. કાશી અને મથુરામાં મોટા ભાગે વિદેશી પર્યટકો ઉમટે છે પરંતુ અયોધ્યામાં વિદેશી પર્યટકો બંને સ્થળો કરતા ખુબ જ ઓછા પ્રમાણમાં આવે છે. આથી વિદેશી હુંડીયામણ ખુબ જ ઓછી માત્રામાં એકઠુ થાય છે. વિઝન ડોકયુમેન્ટમાં માનવામાં આવ્યું છે કે વિદેશી પર્યટકોને કાશી અને મથુરાના સાંસ્કૃતિક કાર્યક્રમો ખેંચી લાવે છે. જેને ધ્યાનમાં લઇને અયોધ્યામાં દિપોત્સવ ભવ્ય અને દિવ્ય બનાવવાનું આયોજન છે.

અયોધ્યા વિકાસ પ્રાધીકરણના વિશાલસિંહનું કહેવું છે કે અયોધ્યાને ઉત્સવ ધર્મ નગરીના રૂપમાં વિકસીત કરવામાં આવશે. શારદીય નવરાત્રીથી લઇને દિવાળી સુધી સતત ૧પ દિવસ ઉત્સવોનું આયોજન કરવામાં આવશે.

૨૦૨૨માં યુપી વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે હિન્દુત્વના પર્યાય સમા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મોદી-શાહ  ભાજપ માટે ચિંતાનો વિષય બનેલા ઉતરપ્રદેશને હરહાલમાં ભાજપમયી બનાવા માંગે છે ત્યારે આ દરખાસ્તને સ્વીકારી લેવાના એંધાણો વધુ છે.

(3:15 pm IST)