Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પીરામલ એન્ટરપ્રાઈસ ડીએચએફએલ ખરીદી લેશે

૯૪ ટકા દેણદારોનો સમાધાનના સમર્થનમાં મત : પીરામલ ૩૪,૨૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કેશ અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચરના કોમ્બિનેશન તરીકે કરશે

નવી દિલ્હી, તા.૨૯ : પીરામલ એન્ટરપ્રાઈસે સંકટગ્રસ્ત કંપની દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ને ૩૮,૦૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. પીરામલે તેને આઈબીસીના રસ્તે થનારૃં નાણાકીય ક્ષેત્રનું સફળ સમાધાન ગણાવ્યું છે. ડીલ પ્રમાણે પીરામલ આ માટે ૩૪,૨૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કેશ અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચરના કોમ્બિનેશન તરીકે કરશે. ત્યાર બાદ બાકીની ચુકવણી તે દેવું ચુકવવામાં કરશે.

ઉલ્લેખનીય છે કે, ડીએચએફએલના ૯૪ ટકા દેણદારોએ પીરામલની સમાધાન યોજનાના સમર્થનમાં મત આપ્યો હતો. આ માટે પીરામલે આરબીઆઈ, સીસીઆઈ અને એનસીએલટીની પણ મંજૂરી મેળવી છે. કંપનીએ જણાવ્યું કે, ડીએચએફએલના આશરે ૭૦,૦૦૦ દેણદારો છે જેમાંથી આશરે ૪૬ ટકાને આ સમાધાન યોજના દ્વારા તેમની બાકી નીકળતી રકમ મળી જશે.

આ ડીલ બાદ પીરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઈનાન્સ (પીસીએચએફએલ) અને ડીએચએફએલનો વિલય કરી દેવામાં આવશે. તેમાં ૧૦૦ ટકા ભાગ પીરામલ એન્ટરપ્રાઈઝનો હશે. વિલય બાદ તે દેશની પ્રમુખ હાઉસિંગ ફાઈનાન્સ કંપની બની જશે. નવી કંપની સસ્તા મકાનોને લોન આપવા પર ભાર મુકશે અને તેના પાસે આશરે ૧૦ લાખ ગ્રાહકો હશે. ઉલ્લેખનીય છે કે, પીસીએચએફએલ હાલ દેશના ૨૪ રાજ્યોમાં કારોબાર કરે છે. તેની ૩૦૧ બ્રાંચ છે જેમાં આશરે ૨,૩૩૮ કર્મચારીઓ કામ કરે છે.

(7:42 pm IST)