Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી કે પી ગોસાવીની પૂણે પોલીસે કરી ધરપકડ

આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી કેપી ગોસાવીની પૂણે પોલીસે ધરપકડ કરી છે : કેપી ગોસાવી છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો

મુંબઇ તા. ૨૮ : બોલિવૂડ એકટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી કેપી ગોસાવીની પુણે પોલીસે ધરપકડ કરી છે. કેપી ગોસાવી છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. કેપી ગોસાવીની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી છે. ગોસાવી વિરુદ્ઘ પુણેમાં છેતરપિંડીનો કેસ પણ નોંધાયેલ છે.

કેપી ગોસાવીની ધરપકડ બાદ પૂણે પોલીસે કહ્યું છે કે ગોસાવીએ આત્મસમર્પણ કર્યું નથી. અમે અમારી બાતમીના આધારે તેની ધરપકડ કરી છે. વિદેશમાં નોકરી અપાવવા માટે યુવાનોને લાખો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કિરણ ગોસાવી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ બાદ હવે મહારાષ્ટ્રમાં ગોસાવી સામે છેતરપિંડી અને અન્ય આરોપો માટે નોંધાયેલા કેસની સંખ્યા ચાર થઈ ગઈ છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષી પ્રભાકર સૈલે કેપી ગોસાવી પર આર્યનને છોડાવવા માટે 'ડીલ' કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રભાકર સાલ પોતાને કેપી ગોસાવીના અંગરક્ષક તરીકે ઓળખાવે છે. પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે ક્રુઝ પાર્ટીના દરોડા દરમિયાન તે ગોસાવી સાથે હતો. પ્રભાકરે ખુલાસો કર્યો હતો કે કેપી ગોસાવી ૨૫ કરોડ રૂપિયામાં ફોન કરીને ૧૮ કરોડમાં સોદો નક્કી કરવા માટે સેમ નામની વ્યકિત સાથે વાત કરી રહ્યો હતો. કેપી ગોસાવીએ એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેને ૮ કરોડ રૂપિયા આપવાની વાત પણ કરી હતી.

કિરણ ગોસાવીનું નામ સૌથી પહેલા ક્રૂઝ ડ્રગ કેસ પછી સામે આવ્યું જયારે તેણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે સોશિયલ મીડિયા પર તેની તસવીર પોસ્ટ કરી. તે સમયે ઘણા લોકોને લાગતું હતું કે તે NCBના અધિકારી છે. એનસીબીએ પાછળથી સ્પષ્ટતા કરી કે તે એક ખાનગી ડિટેકટીવ છે અને પ્લેસમેન્ટ એજન્સીનો માલિક છે અને ક્રુઝ કેસના ૧૦ સ્વતંત્ર સાક્ષીઓમાંનો એક છે.

(12:00 am IST)