Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પાણીપુરી ખાવાની તાલીબાની સજા

બીજા ધોરણના વિદ્યાર્થીને પ્રિન્સીપાલે છત પરથી ઉંધો લટકાવ્યો : પિતાની ફરીયાદ પરથી પોલીસે નોંધ્યો ગુન્હો

મિર્જાપુર, તા.૨૯: યુપીના મિર્જાપુરની એક ખાનગી શાળામાં પાણીપુરી ખાવાથી નારાજ પ્રિન્સીપાલે બીજા ધોરણના એક વિદ્યાર્થીને છત પરથી ઉલ્ટો લટકાવ્યો હતો. આ અંગેના ફોટો અને વિડીયો વાયરલ થતા ધમાચકડી મચી ગઇ હતી. બીએસએ એ એબીએસએને તપાસ કરીને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તો મોડી રાત્રે બાળકના પિતાની ફરીયાદ પર પોલીસે આરોપી પ્રિન્સીપાલ સામે કેસ નોંધ્યો છે. અહરૌરાના બૂઢાદેઇ નિવાસી રંજીત યાદવનો પુત્ર સોનુ યાદવ સદભાવના પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ બેમાં અભ્યાસ કરે છે.

સોનુ ગુરૂવારે બપોરે શાળામાંથી બહાર નીકળીને પાણીપુરી ખાવા ગયો હતો. આની માહિતી શાળા સંચાલક અને પ્રિન્સીપાલ મનોજે સોનુને પોતાની પાસે બોલાવ્યો અને બીજા માળે લઇ ગયો. કહેવાય છે કે બીજા માળની પાળી પરથી મનોજે સોનુને પગ પકડીને ઉલ્ટો લટકાવી દીધો. આનો વીડીયો વાયરલ થતા જ ધમાચકડી મચી ગઇ. આ બાબતની માહિતી મળતા બીએસએ ગૌતમ પ્રસાદે એબીએસએને તપાસ કરવા અને બાળકનું બયાન લઇને શાળાના પ્રિન્સીપાલ વિરૂધ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

તો સોનુના પિતાએ બાળકને શાળાએ નહીં મોકલવાની અને પ્રિન્સીપાલ સામે કાર્યવાહીની માંગ કરીને પોલીસ ફરીયાદ કરી છે. સોનુના પિતા રંજીતનો આરોપ છે કે આ પહેલા પણ શાળામાં સોનુને વગર કારણે મારવામાં આવ્યો હતો. રંજીતની ફરીયાદ પર પોલીસે કલમ ૩૫૨,૫૦૬,૭૫ અને જે જે એકટ ૨૦૧૫ હેઠળ કેસ નોંધ્યો છે.

(9:46 am IST)