Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મુંબઈઃ ગેરકાયદે ડબ્‍બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ચાર ગુજરાતીની ધરપકડ

શેર્સ ખરીદ-વેચાણનું ટર્નઓવર રૂ. ૪,૯૦૦ કરોડ

મુંબઈ,તા.૨૯: વિક્રોલીમાં ગેરકાયદે ડબ્‍બા ટ્રેડિંગનો પર્દાફાશ કરનારી મુંબઈ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ગુજરાતીની ધરપકડ કરી હતી. ચારેય જણે કોડવર્ડમાં રોકાણકારો પાસેથી રોકડ સ્‍વરૂપે આંગડિયા મારફત રોકાણકારોને કોઇ પણ પ્રકારની શેર ખરીદી-વેચાણની કોન્‍ટ્રેક્‍ટ નોટ ન આપતાં તેમ જ આ અંગે સેબીને જાણ કર્યા વિના મોટી રકમના આર્થિક વ્‍યવહાર કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ક્રાઇમ બ્રાન્‍ચ યુનિટ-૭ની ટીમે ધરપકડ કરેલા ચારેયની ઓળખ મહેશ લક્ષ્મીદાસ કટારિયા (૩૮), શેલૈશ રણછોડદાસ નંદા (૩૮), રાજેશ શામજીભાઇ પટેલ (૩૩) અને દિનેશ જેઠાલાલ ભાનુશાલી (૩૮) તરીકે થઇ હતી. ચારેયને ગુરુવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને ૨ ઓક્‍ટોબર સુધીની પોલીસ કસ્‍ટડી ફટકારવામાં આવી હતી.
વિક્રોલી, પાર્ક સાઇટમાં વિક્રોલી હીરાનંદાની લિંક રોડ પર કૈલાસ બિઝનેસ પાર્ક ખાતે છઠ્ઠા માળે સેબીનું કોઇ પણ અધિકૃત લાઇસન્‍સ ન હોવા છતાં એનએસઇ-બીએસઇ સ્‍ટોક એક્‍સચેન્‍જ પર ગેરકાયદે ટ્રેડિંગ કરવામાં આવતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્‍ચ યુનિટ-૭ના અધિકારીઓને મળી હતી. આથી બીએસઇ-એનએસઇના અધિકારીઓ સાથે પોલીસની ટીમ બુધવારે ત્‍યાં રવાના થઇ હતી. દરમિયાન ઉપરોક્‍ત સ્‍થળે જઇ તપાસ કરવામાં આવતાં ત્‍યાં ૧૧ જણ હાજર હતા, જે લેપટોપ, કમ્‍પ્‍યુટર અને મોબાઇલનો ઉપયોગ કરીને શેરબજારના ટ્રેડિંગની નોંધ કાગળ પર કરતા મળી આવ્‍યા હતા. પોલીસે એ સ્‍થળેથી ૫.૧૦ લાખની રોકડ, ૪૫ મોબાઇલ, ત્રણ પેનડ્રાઇવ, પાંચ લેપટોપ, સાત હાર્ડડિસ્‍ક, એક ડેસ્‍કટોપ જપ્ત કર્યા હતા.
દરમિયાન બીએસઇ-એનએસઇના અધિકારીઓએ રાજેશ પટેલના લેપટોપમાંના ટઙ્ઘલી સોફ્‌ટવેરની તપાસ કરી હતી, જેમાં જુલાઇથી ઓક્‍ટોબર, ૨૦૨૧ સુધી સ્‍ટોક એક્‍સચેન્‍જ બહારનાં શેર્સ ખરીદ-વેચાણનું ટર્નઓવર કાઢતાં તે રૂ. ૪,૯૦૦ કરોડ હોવાનું જણાયું હતું. એ જ પ્રમાણે શૈલેશ નંદાનું જૂનથી ઓક્‍ટોબર, ૨૦૨૧ સુધી સ્‍ટોક એક્‍સચેન્‍જ બહારનું શેર્સ ખરીદ-વેચાણનું ટર્નઓવર કાઢતાં તે રૂ. ૧,૩૦૦ કરોડ, જયારે દિનેશ ભાનુશાલીનું એપ્રિલથી ઓક્‍ટોબર, ૨૦૨૧ સુધીનું સ્‍ટોક એક્‍સચેન્‍જ બહારનું શેર્સ ખરીદ-વેચાણનું ટર્નઓવર કાઢતાં તે રૂ. ૬૩૯ કરોડ હોવાનું જણાઇ આવ્‍યું હોવાનું અધિકારીઓએ જણાવ્‍યું હતું.
આ રકમ પર સરકારના સિક્‍યુરિટી ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સ, કેપિટલ ગેન ટેક્‍સ, સ્‍ટેટ ગવર્નમેન્‍ટ સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી ટેક્‍સ, સેબી ટર્નઓનવર ફી, એક્‍સચેન્‍જ ટ્રેડિંગ રેવેન્‍યુ વિગેરે ટેક્‍સ ભર્યા વિના ઉપરોક્‍ત વ્‍યવહાર કરવામાં આવ્‍યા હોવાનું પણ અધિકારીએ કહ્યું હતું.

 

(10:59 am IST)