Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

તેલંગણામાં લોકશાહીનું વસ્ત્રાહરણ મત માટે પૈસાની માંગણીસર દેખાવો

વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છેઃ બીજાને પૈસા મળ્યા અમને કેમ નહિ ? મોટી સંખ્યામાં મહિલા સહિતના મતદારોએ દેખાવો યોજ્યાં: ટીઆરએસ ઉપર વચનભંગનો આરોપઃ નારા લગાવ્યાં: ચક્કાજામ : અમને પૈસા મળવા જ જોઈએઃ મતદારોના અજબગજબના દેખાવોથી પોલીસ પણ પરેશાનઃ શું કરવું ? મુંઝવણમાં મુકાઇઃ વિડીયો વાયરલ

હૈદરાબાદ, તા. ૨૯ :. તેલંગણાના હજુરાબાદ વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી થવાની છે તેના બે દિવસ પહેલા મતદારોએ અજબગજબના દેખાવો કર્યા હતા. આ દેખાવો એવી માંગણીને લઈને હતા જેને લઈને આશ્ચર્ય ફેલાયુ છે. તેઓનું કહેવુ હતુ કે કેટલાક રાજકીય પક્ષોેએ વોટના બદલામાં નોટ એટલે કે મતના બદલામાં રોકડ રકમ આપવાનું વચન આપ્યુ હતુ પરંતુ હજુ અમને રોકડ મળી નથી. એટલુ જ નહિ દેખાવકારોએ સત્તાધારી ટીઆરએસ ઉપર વચનભંગનો પણ આરોપ મૂકયો હતો.

મામલો હજુરાબાદના વિણાવંકા ગંગારામ ગામનો છે. અહીં ગ્રામીણ મતદારોએ રસ્તા ઉપર ચક્કાજામ કરી દીધા હતા. સ્થાનિક મતદારોનો આરોપ છે કે ટીઆરએસએ વચન મુજબ એક પણ પૈસો આપ્યો નથી. સ્થાનિક લોકોનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ વોચ રાખતા આ વિસ્તારમાં પૈસા વહેંચવાનું કામ અટકાવી દેવાયુ હતું. એવુ કહેવાય છે કે સત્તારૂઢ ટીઆરએસ અને ભાજપના સમર્થકોએ કથીત રીતે રોકડ રકમ વહેંચી હતી. તેઓએ કથીત રીતે પ્રત્યેક મત માટે ૬૦૦૦થી ૧૦૦૦૦ રૂ. વહેંચ્યા હતા. કેટલાક લોકોએ પ્રદર્શન કરી ફરીયાદ કરી હતી કે અમને પૈસા નથી મળ્યા.

સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં એક શખ્સને બંધ કવરને ખોલતો બતાડવામાં આવ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર અટાલા રાજેન્દ્રનો ફોટો અને તેના પર કમળનું નિશાન હતુ તે ૧૦૦૦૦ રૂ.ની નોટ ગણતો નજરે પડે છે. બીજા એક વિડીયોમાં એક મહિલા રોકડથી ભરેલ કવર ખોલતી નજરે પડે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બન્ને પક્ષોએ એકબીજા પર મતદારોને લલચાવવા માટે રોકડ, દારૂ અને અન્ય ચીજવસ્તુ વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રોકડ રકમ આપવામાં આવ્યાના સમાચાર ફેલાતા અનેક ગામના મતદારો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને બન્ને પક્ષોના સ્થાનિક નેતાઓને સવાલ પુછવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત દેખાવકારોને એ પ્રશ્ન પૂછતા સંભળાયા હતા કે અમને પૈસા કેમ નથી મળ્યા ?

કમલાપુરમાં એક મતદારે કહ્યુ હતુ કે મને એક રૂપિયો પણ મળ્યો નથી ? આ ભેદભાવ કેમ ? રસ્તા ઉપર પોલીસ કર્મચારીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા કારણ કે દેખાવકારોએ તેમની પાસે ફરીયાદ કરી હતી કે અમને પૈસા નથી મળ્યા.

આરોપ છે કે ટીઆરએસએ વિણાવંકા ગામમાં ૬૦૦૦થી ૮૦૦૦ રૂ. આપ્યા હતા. ભાજપ ઉપર પણ ૧૫૦૦ રૂ. દરેક મતદારને આપવાનો આરોપ છે. ચૂંટણી પંચે અત્યાર સુધીમાં ૩૫૨૨૨૩૯૨ રૂ. જપ્ત કર્યા છે. આમાથી ૩૩૧૪૦૯૨૭ રોકડા અને ૧૦.૬૦ લાખના સોના-ચાંદી જપ્ત કર્યા છે. આ ઉપરાંત ૨.૨૧ લાખ રૂ. શર્ટ અને સાડી પણ જપ્ત કર્યા છે.

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચૂંટણી કમિશ્નર સાથે મુલાકાત કરી હજુરાબાદ પેટાચૂંટણી રદ કરવાની માંગણી કરી છે. પક્ષનું કહેવુ છે કે ભાજપ અને ટીઆરએસ સત્તાનો ખુલ્લેઆમ દૂરૂપયોગ કરે છે અને નિષ્પક્ષ ચૂંટણી થવા નથી દેતા. ચૂંટણી રદ્દ કરવી જોઈએ. દરમિયાન એવુ જાણવા મળે છે જે મહિલાઓને રોકડા નથી મળ્યા તેઓ ભારે નારાજ છે અને સરપંચના ઘર સમક્ષ દેખાવો કરી પૈસાની માંગણી કરી છે. સમાચાર ફેલાતા જ રંગાપુર, કટરાપલ્લી અને પેડાપા પૈયાના ગામ લોકો પણ ઉમટી પડયા હતા અને ધરણા કર્યા હતા. એટલુ જ નહિ રાજકીય પક્ષો વિરૂદ્ધ નારા પણ લગાવ્યા હતા.

(2:54 pm IST)