Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

G-20 દરમિયાન નરેન્દ્રભાઇ મોદી પહેલીવાર પોપને મળશે

પોપ-મોદીની મુલાકાત શા માટે મહત્વની છે?

રોમ, તા.૨૯: G-20 બેઠકમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત કેથોલિક ધર્મગુરુ પોપને મળશે. અધિકારીઓએ કહ્યું છે કે મોદી આ સપ્તાહના અંતે રોમમાં પોપને મળવાના છે.

લઘુમતીઓ પર અત્યાચારના વધી રહેલા આરોપો પર અંકુશ ન મેળવી શકવાના આરોપોનો સામનો કરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેથોલિક ધર્મગુરુ પોપને મળવા જઈ રહ્યા છે. ૨૦૧૪માં સત્તા સંભાળ્યા બાદથી, દક્ષિણપંથી ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઇ મોદી લઘુમતીઓ પર થતા અત્યાચાર પર મૌન હોવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

ભારતમાં ૧૪ ટકા મુસ્લિમ વસ્તી છે જયારે બે ટકા ખ્રિસ્તી છે. દ્યણા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર હુમલામાં વધારો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના નેતાઓ, જેને બીજેપીની મધર બોડી કહેવામાં આવે છે, તેઓ દ્યણીવાર ખ્રિસ્તીઓ પર ભારતમાં ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવે છે. આ વિવાદને કારણે ખ્રિસ્તીઓ પર હુમલા પણ થાય છે. એક સામાજિક સંસ્થાએ આ મહિને જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વર્ષે ખ્રિસ્તીઓ પર હુમલાના ૩૦૦ કેસ નોંધાયા છે. આ કેસોમાં ઉત્ત્।રાખંડમાં ઓકટોબરની ઘટનાનો સમાવેશ થાય છે, જેમાં એક ચર્ચ પર કથિત રીતે ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનોના ૨૦૦ સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માર્ચમાં, હિંદુ ઉગ્રવાદીઓના એક જૂથે છત્તીસગઢમાં એક ચર્ચ પર હુમલો કર્યો હતો. હુમલા સમયે લગભગ ૧૫૦ લોકો ત્યાં હાજર હતા, જેમાંથી આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ભારતીય જનતા પાર્ટી ધર્માંતરણના મુદ્દે આક્રમક રહી છે. ઓછામાં ઓછા ત્રણ ભાજપ શાસિત રાજયોએ કથિત બળજબરીથી થતા ધર્માંતરણને રોકવાના હેતુથી કાયદા પસાર કર્યા છે. આ કાયદા હેઠળ ડઝનબંધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય દ્યણા રાજયો સમાન કાયદા લાવવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આ કાયદાનો ઉપયોગ લઘુમતીઓને હેરાન કરવા માટે થઈ રહ્યો છે.

૨૦૨૦ માં, યુએસના એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ૨૦૦૪ પછી પ્રથમ વખત ભારતને 'ચિંતાવાળા દેશો'ની સૂચિમાં મૂકયું. નરેન્દ્રભાઇ મોદી સરકાર હિંદુ એજન્ડાને અનુસરવાના આરોપોને નકારી રહી છે અને દાવો કરી રહી છે કે તમામ ધર્મના લોકોને સમાન સ્વતંત્રતા છે.

(3:40 pm IST)