Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રશિયામાં ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૧૧૫૯નાં મોત થયા

રશિયાની રાજધાની મોસ્કોમાં ૧૧ દિવસનું લોકડાઉન : રશિયાએ ભલે સૌથી પહેલા સ્પૂતનિક-વી અને અન્ય રસી બનાવી પરંતુ અહીં રસીકરણનો દર ઘણો ઓછો છે : રશિયામાં સૌથી વધારે નવા કેસો

મોસ્કો, તા.૨૯ : રશિયામાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાથે જ દરરોજ રેકોર્ડ સ્તરે મોત થઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૯ લોકોના મોત નીપજ્યા છે.

કોરોના વાયરસ વિરૂદ્ધ દુનિયાને પહેલી વેક્સિન આપનારા રશિયામાં ફરીથી કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. દરેક દિવસે રેકોર્ડ સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ હજાર ૦૯૬ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા. આ દરમિયાન ૧,૧૫૯ લોકોએ જીવ ગુમાવ્યા. એવામાં રશિયાની રાજધાની મૉસ્કોમાં ૧૧ દિવસ સુધી લોકડાઉન લગાવી દીધુ છે.

યુરોપમાં અત્યારે સૌથી વધારે નવા કેસ રશિયામાંથી આવી રહ્યા છે. રશિયાએ ભલે સૌથી પહેલા સ્પૂતનિક-વી અને અન્ય રસી બનાવી પરંતુ અહીં રસીકરણનો દર ઘણા ઓછો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે તેજીથી અહીં સંક્રમણ ફેલાઈ રહ્યુ છે તે મહામારીની શરૂઆત બાદથી સર્વાધિક છે. સરકારે બીજા દેશોની જેમ કડક લોકડાઉનનુ એલાન તો કર્યુ નથી, પરંતુ મૉસ્કોમાં ગુરૂવારથી ૭ નવેમ્બર સુધી તમામ બિન-જરૂરી સેવાઓ પર રોક લગાવી દીધી છે. રિટેલ દુકાન, રેસ્ટોરાની સાથે જ રમત અને મનોરંજનના સ્થળને બંધ કરી દેવાયા છે.

        સ્કુલ-કોલેજ પણ બંધ કરી દેવાયા છે. ખાવા-પીવાની વસ્તુની દુકાનોની સાથે દવા અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલી દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે. જર્મની-બ્રિટન સહિત સમગ્ર પશ્ચિમી યુરોપમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. પશ્ચિમી યુરોપમાં સર્વાધિક કોરોનાના કેસ બ્રિટનમાં નોંધવામાં આવી રહ્યા છે અને કોવિડ દર્દીના મોતમાં વધારો નોંધાયો છે. તેથી બ્રિટનમાં પ્રતિબંધને બીજીવાર લગાવવાની માગ થવાની છે, જેથી લોકડાઉનથી બચાવી શકાય. જર્મનીમાં પણ સંક્રમણને છેલ્લા પાંચ મહિનાનો રેકોર્ડ તોડી દીધા છે. જર્મનીમાં પ્રતિ એક લાખ લોકો પર કોરોનાના ૧૦૦ નવા કેસ નોંધવામાં આવ્યા જે મે બાદથી સર્વાધિક છે. કોરોનાથી સર્વાધિક પ્રભાવિત દેશમાં બેલ્જિયમ અને આયર્લેન્ડ પણ સામેલ છે. ઈસીડીસી અનુસાર બેલ્જિયમમાં ૧૦ હજાર લોકો પર ૩૨૫.૭૬ સંક્રમિત મળ્યા છે જ્યારે આયર્લેન્ડમાં આ આંકડો ૪૩૨.૮૪ ટકા છે. બેલ્જિયમના સ્વાસ્થ્ય મંત્રી ફ્રેંક વાંડરબ્રુકે પણ માન્યુ છે કે તેમનો દેશ કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યો છે.

(7:14 pm IST)