Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રાષ્ટ્રગીત સમયે ભાવનાને કાબુમાં રાખવા તાલિબાન દ્વારા ફરમાન

ટી૨૦ વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાનની ટીમ દુબઈમાં : તાલિબાન સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવે તેનુ પાલન કરવામાં આવે અને ક્રિકેટ પર ફોકસ કરવામાં આવે

નવી દિલ્હી, તા.૨૯ : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં આઈસીસીટી ટી ૨૦ વર્લ્ડકપમાં રમી રહી છે. સોમવારે સ્કોટલેન્ડ સામેની મેચ પહેલા જ્યારે અફઘાનિસ્તાનનુ રાષ્ટ્રગીત વાગ્યુ ત્યારે અફઘાન ક્રિકેટરો પૈકી ઘણાની આંખોમાં આંસૂ હતા. જોકે આ ઘટના બાદ હવે સૂત્રોનુ કહેવુ છે કે, તાલિબાન દ્વારા ક્રિકેટરોને ચેતવણી આપવામાં આવી છે કે, જ્યારે મેચ પહેલા રાષ્ટ્રગીત વાગે ત્યારે ખેલાડીઓ પોતાની ભાવનાને કાબૂમાં રાખે.

એવુ પણ જાણવા મળ્યુ છે કે, બુધવારે સાંજે ખેલાડીઓની બેઠક યોજાઈ ત્યારે નિર્ણય લેવાયો હતો કે, તાલિબાન સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવે તેનુ પાલન કરવામાં આવે અને ક્રિકેટ પર ફોકસ કરવામાં આવે. જેના પગલે હવે ખેલાડીઓ પણ ડિપ્લોમેટિક ભાષામાં વાત કરી રહ્યા છે.

આ પહેલા તાલિબાનના તખ્તા પલટ વખતે કચવાટ કરનાર ટીમના સ્ટાર પ્લેયર રશિદ ખાને કહ્યુ હતુ કે, હવે દેશમાં બધુ નોર્મલ થઈ રહ્યુ છે અને આશા રાખીએ છે કે, ભવિષ્યમાં પણ વધુ સારૂ થશે. અમે એવો દેખાવ કરવા માંગીએ છે કે, તેના પર દેશમાં ઉજવણી થઈ શકે.

અફઘાનિસ્તાનમાં અનિશ્ચિત ભવિષ્ય અંગે રાશિદ ખાને કહ્યુ હતુ કે, અમારા દિમાગમાં આ અંગે હાલમાં કશું નથી. અત્યારે અમે એ જ વાત પર ફોકસ કરી રહ્યા છે કે, પાંચ મેચ રમવાની છે અને તેમાંથી ત્રણ જીતવાની છે.

(7:18 pm IST)