Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોબાઈલ પર વાત કરવાની ના પાડતા છાત્રએ શિક્ષકને ઢીબ્યો

ગોરખપુર જિલ્લામાંનો ચોંકાવનારો કિસ્સો : ઘટના સીસીટીવીમાં કેદ થતા શિક્ષકની ફરિયાદ પર પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ કેસ નોંધીને તેને કસ્ટડીમાં લીધો

ગોરખપુર, તા.૨૯ : ગોરખપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિદ્યાર્થીએ પોતાના જ શિક્ષકને ફિલ્મી સ્ટાઈલમાં માર માર્યો છે. અહીંની મોબાઈલ પર વાત કરવાની ના પાડતા જ્યુબિલી ઇન્ટર કોલેજના ધોરણ ૯ના વિદ્યાર્થીએ શિક્ષક સૈયદ વાસિક અલીને ઢોર માર માર્યો હતો. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. શિક્ષકની ફરિયાદ પર કોતવાલી પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ કેસ નોંધીને તેને કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને જુવેનાઈલ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી તેને ચિલ્ડ્રન ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ વિદ્યાર્થીના અન્ય બે સાથીઓને પણ શોધી રહી છે. જ્યુબિલી ઇન્ટર કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને બરતરફ કર્યો છે. પ્રાપ્ત માહિતી તિવારીપુર વિસ્તારનો એક વિદ્યાર્થી જ્યુબિલી ઈન્ટર કોલેજમાં ધોરણ ૯નો વિદ્યાર્થી છે. મંગળવારે તે મોબાઈલ લઈને ક્લાસમાં પહોંચ્યો હતો અને ક્લાસમાં મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન મુફ્તીપુર વિસ્તારના રહેવાસી અને જ્યુબિલી ઈન્ટર કોલેજના કોમ્પ્યુટર શિક્ષક સૈયદ વાસીક અલીએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને ક્લાસમાં મોબાઈલ પર વાત ન કરવા કહ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, સ્કૂલમાં મોબાઈલ લઈનને ન આવે.

બુધવારે વિદ્યાર્થી તેના બે મિત્રો સાથે સ્કૂલ પહોંચ્યો અને ધોરણ ૯ના બાળકોને ભણાવતા શિક્ષકને ફિલ્મી સ્ટાઈલમાં માર માર્યો હતો, અને બાદમાં સાથીઓની મદદથી ટિંગાટોળી કરીને બહાર લઈ ગયો અને ત્યાં પણ તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે વર્ગમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ બહાર આવ્યા હતા અને અન્ય શિક્ષકોને આ અંગે જાણ કરી હતી. ઘટના બાદ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બનાવની જાણ થતાં પહોંચેલી કોતવાલી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી વિદ્યાર્થીની ઓળખ કરી અને પછી તેની શોધ શરૂ કરી.

તપાસ દરમિયાન આ વિદ્યાર્થી સ્કૂલ પાસે જ થોડે દૂરથી મળી આવ્યો હતો. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ કોતવાલી કલ્યાણ સિંહ સાગરે જણાવ્યું હતું કે શિક્ષક પર હુમલો કરનાર વિદ્યાર્થીને પકડી લેવામાં આવ્યો છે. તેને ચિલ્ડ્રન ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે અને તેના સાગરિતોની શોધખોળ ચાલુ છે.

(7:19 pm IST)