Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા એ દેશમાંથી લઘુમતીઓને ભગાડવાનું સંપૂર્ણ કાવતરું:સંઘ

સંઘે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંસ્થાઓના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા : બેવડા વલણ સામે આકરા પ્રહાર કર્યા

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના લોકો પર હિન્દુ ધાર્મિક સ્થળો પર થયેલા હુમલાઓ પર આરએસએસએ આકરી પ્રતિક્રિયા આપી છે. શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું હતું કે આ હુમલા લઘુમતી સમુદાયને ભગાડવાના કાવતરાનો ભાગ છે. આ સાથે જ આરએસએસ દ્વારા કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ મામલે બાંગ્લાદેશ સાથે વાત કરે અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.

મધ્યપ્રદેશના ધારવાડમાં સંઘની ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં આ વાત કહેવામાં આવી હતી. આરએસએસ સાહ-સર કાર્યવાહ અરુણ કુમારે કહ્યું કે સંઘ માંગ કરે છે કે બાંગ્લાદેશ સરકારે હિન્દુ સમુદાયના લોકો પર હુમલો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

આરએસએસની ત્રણ દિવસીય બેઠક ગુરુવારે ધારવાડમાં શરૂ થઈ હતી. બેઠકમાં પસાર કરાયેલા ઠરાવનો ઉલ્લેખ કરતાં અરુણ કુમારે કહ્યું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા એ દેશમાંથી લઘુમતીઓને ભગાડવાનું સંપૂર્ણ કાવતરું હતું.” આ હુમલાઓનો હેતુ ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક હિંસા ફેલાવવાનો અને હિંદુઓની હિજરત કરાવવાનો હતો. RSSએ પોતાના ઠરાવમાં કહ્યું કે કેન્દ્ર સરકારે તમામ રાજદ્વારી પ્રયાસો કરીને આ મામલે વાત કરવી જોઈએ. સંઘે કહ્યું કે હિંદુઓ અને બૌદ્ધો પર હુમલા બંધ થવા જોઈએ.

આ સાથે RSS તરફથી આ હુમલા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ સાથે સંઘે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંસ્થાઓના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનોનું મૌન બેવડા વલણને સામે લાવે છે. સંઘે કહ્યું કે અમે માંગ કરીએ છીએ કે આ હુમલાના ગુનેગારોને સજા મળવી જોઈએ. તો જ બૌદ્ધ અને હિન્દુ સમુદાયના લોકો સન્માનપૂર્વક જીવી શકશે.

(9:41 pm IST)