Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે તેમના મગજમાં રક્ત પુરવઠો પુનઃસ્થાપિત કરવા કરાવી સર્જરી

થોડા દિવસો પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી અપેક્ષા

મુંબઈ :  સુપરસ્ટાર રજનીકાંતની સારવાર કરતી હોસ્પિટલે જણાવ્યું હતું કે, અભિનેતાના મગજમાં લોહીનો પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે શુક્રવારે તેની સર્જરી કરવામાં આવી હતી અને તેની હાલત હવે સારી થઈ રહી છે.

હોસ્પિટલે જણાવ્યું કે, અભિનેતાને 28 ઓક્ટોબરના રોજ ચક્કર આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાવેરી હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે “રજનીકાંતની તબિયતનું ડોકટરોની નિષ્ણાત પેનલ દ્વારા સંપૂર્ણ રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમને કેરોટીડ આર્ટરી રીવાસ્ક્યુલરાઇઝેશન સર્જરી (Carotid Artery Revascularization) કરાવવાની સલાહ આપવામાં આવી હતી.”

હોસ્પિટલના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. અરવિંદન સેલ્વરાજ દ્વારા જારી કરાયેલા બુલેટિનમાં જણાવાયું હતું કે, "આજે પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને તેઓ સાજા થઈ રહ્યા છે. થોડા દિવસો પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે.”

અનેક સરકારી તબીબી સંસ્થાઓમાં દાયકાઓ સુધી કામ કરી ચૂકેલા જાણીતા સર્જન ડૉ. જે અમલોરપાવનાથને પીટીઆઈને જણાવ્યું કે CAR એ “મગજમાં રક્ત પુરવઠો પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે”. ગુરુવારે, અભિનેતાની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તે “નિયમિત આરોગ્ય તપાસ” માટે શહેરની હોસ્પિટલમાં ગયા હતા.

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને અભિનેતાના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતાના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું, “જલદી સાજા થાઓ….”

દરમિયાન  કમલ હાસને રજનીકાંત વિશે પણ ટ્વીટ કર્યું, મારા મિત્ર રજનીકાંત જે હોસ્પિટલમાં દાખલ છે, હું તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરું છું.

(10:17 pm IST)