Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

૨૦૨૧માં ચાર ગ્રહણ થશે : બે ભારતમાં દેખાશે

પ્રથમ ગ્રહણ ૨૬ મેએ થશે, જે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં, તટીય ઓરિસ્સા અને સિક્કિમ સિવાયના ઉત્તર પૂર્વનાં રાજયોમાં જોઈ શકાશે

નવી દિલ્હી,તા. ૨૯: એક સંપૂર્ણ સૂર્યગ્રહણ અને એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ સહિત વર્ષ ૨૦૨૧માં કુલ ચાર ગ્રહણ થશે, જેમાંથી બે ગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે એમ ઉજ્જૈન સ્થિત જિવાજી વેધશાળાના સુપરિટેન્ડન્ટ ડોકટર રાજેન્દ્રપ્રકાશ ગુપ્તએ ગઈ કાલે જણાવ્યું હતું.

ચારમાંનું પ્રથમ ગ્રહણ ૨૬ મેએ થશે, જે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં, તટીય ઓરિસ્સા અને સિક્કિમ સિવાયના ઉત્તર પૂર્વનાં રાજયોમાં જોઈ શકાશે. દેશનાં અન્ય સ્થળોની તુલનાએ આ સ્થળોએ ચંદ્રમા પહેલા જોઈ શકાય છે તેથી આ રાજયોમાં ગ્રહણ જોઈ શકાશે. આ ખગોળીય દ્યટના વખતે પૃથ્વી ચંદ્ર દ્વારા ૧૦૧.૬ ટકા જેટલી આવરી લેશે એમ તેમણે કહ્યું હતું. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવશે ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. ગુપ્તએ કહ્યું હતું કે ૧૦ જૂને થનારું વાર્ષિક સૂર્યગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે નહીં. આ પ્રસંગમાં ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવશે, જેના કારણે સૂર્ય ૯૪.૩ ટકા જેટલો કવર થઈ જશે અને આગની જવાળાની વીંટી જેવો દેખાશે. ૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ વર્ષનું છેલ્લું ગ્રહણ હશે, જે સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, જોકે તે ભારતમાંથી નહીં જોઈ શકાય, એમ તેમણે જણાવ્યું હતું. આ વર્ષે બે સૂર્ય તો ચાર ચંદ્રગ્રહણ થયાં હતાં.

(10:09 am IST)