Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ઓ બાપ રે... દેશમાં યુકેવાળા કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી

યુકેથી પાછા ફરેલા ૬ લોકોમાં નવા સ્ટ્રેન મળી આવતા ખળભળાટઃ તમામને સીંગલ આઈસોલેશન રૂમમાં રાખી દેવાયાઃ ૨૫ નવેમ્બરથી ૨૩ ડીસેમ્બર વચ્ચે યુકેથી ૩૩૦૦૦ યાત્રી ભારતના અલગ અલગ એરપોર્ટ પર આવ્યા છેઃ જેમાંથી અત્યાર સુધીમાં ૧૧૪ કોરોના સંક્રમિત જણાયા છે

નવી દિલ્હી, તા. ૨૯ :. ભારતમાં પણ યુકેવાળા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. બ્રિટનથી પાછા ફરેલા ૬ દર્દીઓ આ મ્યૂટેંટ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ બધા લોકોને સીંગલ આઈસોલેશન રૂમમા રાખવામાં આવ્યા છે. તેઓના સંપર્કમાં આવેલા નજીકના લોકોને પણ કોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે કુલ ૩૩૦૦૦ યાત્રી યુકેથી ભારતના અલગ અલગ એરપોર્ટ પર ૨૫ નવેમ્બરથી ૨૩ ડીસેમ્બર વચ્ચે આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં ૧૧૪ કોરોના સંક્રમિત જણાયા છે. તેઓના સેમ્પલને જ્યારે જીનોમ સીકવૈંસિંગમાં મોકલાયા તો ૬માં નવા સ્ટ્રેન મળી આવ્યા હતા.

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ ૬ કેસ મળી આવ્યા છે. આજે ભારત સરકારે પણ આ બાબતની પુષ્ઠી કરી છે. યુકેથી પાછા ફરેલા ૬ લોકોમાં નવા સ્ટ્રેન મળી ચૂકયા છે. જેમાંથી ૩ બેંગ્લોર, ૨ હૈદરાબાદ અને ૧ પૂણેની લેબમાં સેમ્પલમાં નવા સ્ટ્રેન મળી આવ્યા હતા.

કોરોના બાદ નવો ડર બનીને ઉભરી રહેલા યુકેવાળા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. ભારત અને બ્રિટન ઉપરાંત સ્પેન, સ્વીડન અને સ્વીસમાં પણ નવા સ્ટ્રેનની પુષ્ઠી થઈ છે. ફ્રાન્સમાંથી પણ નવો સ્ટ્રેન મળી આવ્યો છે. દક્ષિણ આફ્રિકા, કેનેડા, જાપાન, સિંગાપોર, ડેનમાર્ક, જર્મની, ઈટાલીમા પણ નવા સ્ટ્રેનના દર્દીઓ મળી આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે ભારત સરકારે ૩૧ ડીસેમ્બર સુધી યુકેથી આવતી તમામ ફલાઈટ પર પ્રતિબંધ મુકી દીધો છે. યુકેથી પાછા ફરતા લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જે પછી તેમના સેમ્પલના જીનોમ સીકવેન્સીંગ તપાસ કરવામાં આવી રહી છે. બ્રિટનમાં આ નવા સ્ટ્રેને કાળોકેર મચાવ્યો છે.

(10:41 am IST)